ચાર વર્ષમાં 6 વૈશ્ર્વિક ટૂર્નામેન્ટ, બે T-20 વર્લ્ડ કપ યોજાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) આગામી ચાર વર્ષ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું નવું માળખું તૈયાર કરી રહી છે. 2032થી 2035ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમમાં કુલ…

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) આગામી ચાર વર્ષ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું નવું માળખું તૈયાર કરી રહી છે. 2032થી 2035ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમમાં કુલ છ વૈશ્વિક ટુર્નામેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે તેમાં બે ટી-20 વર્લ્ડ કપ યોજાશે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની બે ફાઈનલ, એક ચેમ્પિયન્સ ટ્રોફી અને એક ODI વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવશે. ICCની યોજના મુજબ આગામી ચક્રમાં દર વર્ષે ઓછામાં ઓછી એક મોટી વૈશ્વિક ટુર્નામેન્ટ યોજાશે.

હાલમાં બાલીમાં ICCના સભ્ય દેશોની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં 2031 પછીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કાર્યક્રમને અંતિમ મંજૂરી આપવાની અપેક્ષા છે. વર્તમાન વૈશ્વિક ટુર્નામેન્ટ ચક્ર 2031માં ભારત અને બાંગ્લાદેશની સંયુક્ત યજમાનીમાં યોજાનારા ODI વર્લ્ડ કપ સાથે પૂર્ણ થશે. ત્યારબાદ 2032થી નવા ચક્રની શરૂૂઆત થશે.
આગળ 2034માં ફરી એકવાર ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. એટલે કે માત્ર બે વર્ષના અંતરે ક્રિકેટપ્રેમીઓને ટી-20 વર્લ્ડ કપની બે આવૃત્તિઓ જોવા મળશે. બીજી તરફ, 2035માં ODI વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ યોજાવાની છે. ICCની આ યોજના પાછળનો મુખ્ય હેતુ દર વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટી ટુર્નામેન્ટનું આકર્ષણ જાળવી રાખવાનો છે. તેનાથી અલગ-અલગ ફોર્મેટના ક્રિકેટને પ્રોત્સાહન મળશે અને વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ માટે સતત મોટી સ્પર્ધાઓનું આયોજન થઈ શકશે.

નવા ચક્રમાં છ વૈશ્વિક ટુર્નામેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં કેટલીક મહત્વપૂર્ણ વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. ખાસ કરીને 2035માં યોજાનારા ODI વર્લ્ડ કપ માટે ICC એ હજુ કોઈ ચોક્કસ સમયગાળો નક્કી કર્યો નથી. 2027 અને 2031ની આવૃત્તિઓ બાદ આગામી ODI વર્લ્ડ કપ 2035માં યોજાવાનો છે.તેવી જ રીતે, 2035માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ક્યારે રમાશે તે અંગે પણ હજુ નિર્ણય જાહેર થયો નથી. બીજી તરફ, 2027, 2029 અને 2031ની WTC ફાઈનલની યજમાનીના અધિકારો ઇંગ્લેન્ડને આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત, બેઠકમાં વર્તમાન ચક્ર માટેના આવક-વહેંચણી મોડેલને મંજૂરી આપવાની પણ શક્યતા છે. આ મોડેલ હેઠળ ICCના સભ્ય દેશો વચ્ચે આશરે 650 મિલિયન અમેરિકન ડોલરની આવક વહેંચવામાં આવશે. બેઠકમાં માત્ર વૈશ્વિક ટુર્નામેન્ટના કાર્યક્રમ પર જ નહીં, પરંતુ વિશ્વભરમાં વધી રહેલી ટી-20 ફ્રેન્ચાઈઝ લીગના ભવિષ્ય પર પણ ચર્ચા થવાની છે. ICC બોર્ડ ‘ફ્રેન્ચાઈઝ લીગ રિવ્યુ ગ્રુપ’ દ્વારા રજૂ કરવામાં આવેલી ભલામણો પર વિચાર કરશે. આ ચર્ચા બાદ ટી-20 ફ્રેન્ચાઈઝ લીગને મંજૂરી આપવાની પ્રક્રિયામાં ICCની ભૂમિકાની ફરી સમીક્ષા થઈ શકે છે.