ગુજરાત હાઇકોર્ટે શિક્ષક યોગ્યતા કસોટી (TET)ના વિવાદમાં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દઈને પ્રાથમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયાને આગળ ધપાવવા માટેનો માર્ગ મોકળો કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ મનશ રંજન પાઠક અને જસ્ટિસ નિખિલ કારીયેલની બનેલી ડિવિઝન બેન્ચે સિંગલ જજના વચગાળાના આદેશમાં દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે સિંગલ જજ દ્વારા અગાઉ જારી કરાયેલા નિર્દેશોથી રાજ્ય સરકાર અને નોકરી વાંચ્છુક ઉમેદવારો બંને પક્ષોના હિતોનું પૂરતું રક્ષણ કરવામાં આવ્યું છે, તેથી તેમાં કોઈ દખલગીરીની જરૂૂરિયાત જણાતી નથી.
આ સમગ્ર વિવાદ 1 એપ્રિલના રોજ રાજ્યભરમાં અંદાજે 11,000 પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે બહાર પાડવામાં આવેલી ભરતી જાહેરાતમાંથી ઉદ્ભવ્યો હતો. વર્ષ 2025 ની ટેટ પરીક્ષામાં પ્રશ્નપત્રોમાં કેટલીક ભૂલો અને ખામીઓ હોવાના આક્ષેપ સાથે, ક્વોલિફાઇંગ માર્ક્સથી સાવ નજીવા અંતરે પાસ થવાથી વંચિત રહી ગયેલા કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા દેવાની દાદ માંગી હતી. ગત 23 એપ્રિલના રોજ સિંગલ જજે આવા ઉમેદવારો પાસેથી લેખિત બાંહેધરી લઈને તેમને કામચલાઉ (પ્રોવિઝનલ) ધોરણે પસંદગી પ્રક્રિયામાં સામેલ થવાની મંજૂરી આપી હતી, જેમાં સ્પષ્ટ શરત મૂકાઈ હતી કે જો તેમની મૂળ પિટિશન રદ થશે તો તેઓ ભવિષ્યમાં કોઈ કાયદેસર હક દાવો કરી શકશે નહીં.
સિંગલ જજના આ વચગાળાના રાહત આપતા આદેશને રાજ્ય સરકારે ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો હતો. દરમિયાન, સિંગલ જજે 7 ઓગસ્ટ, 2026ના રોજ વધુ એક આદેશ આપીને નિર્દેશ કર્યો હતો કે અરજદાર ઉમેદવારોની સંખ્યા જેટલી કેટેગરી મુજબની બેઠકો અલાયદી (અનામત) રાખીને બાકીના તમામ સફળ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા રાબેતા મુજબ આગળ ધપાવવામાં આવે. ડિવિઝન બેન્ચે સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે સિંગલ જજની આ વ્યવસ્થાથી સમગ્ર ભરતી પ્રક્રિયા ખોરવાયા વિના વિવાદિત જગ્યાઓ સુરક્ષિત રહે છે અને તેનાથી રાજ્ય સરકારને પણ કોઈ નુકસાન પહોંચતું નથી.
