ગુજસીટોકમાં સામેલ ઓડીયા ગેંગના સાગરિતોનો આતંક, યુવાનને મારી નાખવાની ધમકી

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અગાઉ થયેલી પોલીસ કાર્યવાહીનો બદલો લેવા માટે ઓડીયા ગેંગના…

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અગાઉ થયેલી પોલીસ કાર્યવાહીનો બદલો લેવા માટે ઓડીયા ગેંગના સાગરીતોએ એક નિર્દોષ મજૂર પરિવારને નિશાન બનાવ્યો છે. રાજકોટના ભાવનગર રોડ પર આવેલા ન્યુ વિજયનગર શેરી નંબર 3 માં રહેતા અને જૂના ફોર-વ્હીલર ટાયર ખોલવા તેમજ ફિટિંગ કરવાનું મજૂરી કામ કરતા 42 વર્ષીય હરેશભાઈ બીજલભાઈ સોલંકીએ આખરે કંટાળીને થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ મુજબ, આશરે નવ મહિના પહેલાં સ્થાનિક થોરાળા પોલીસ સ્ટેશનમાં વિસ્તારની કુખ્યાત ઓડીયા ગેંગના 6 થી 7 માણસો ઉપર ગુજસીટોક જેવા ગંભીર કાયદા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ કાયદાકીય કાર્યવાહી ફરિયાદી હરેશભાઈએ કરાવી હોવાની ખોટી આશંકા અને અદાવત રાખીને ઓડીયા ગેંગના સભ્યો છેલ્લા ઘણા સમયથી તેમના પરિવાર સાથે અવારનવાર બોલાચાલી કરી ભારે હેરાનગતિ કરી રહ્યા હતા.

આ અદાવતમાં આરોપીઓએ તમામ હદો પાર કરી દીધી હતી. આશરે આઠેક મહિના પહેલાં રાત્રિના સમયે જ્યારે હરેશભાઈ પોતાના ઘરે હતા, ત્યારે આરોપી કામીલ હાજીભાઈ ઓડીયાએ પોતાના મોબાઈલ નંબર પરથી હરેશભાઈના વોટ્સએપ નંબર પર એક પછી એક એમ અલગ-અલગ પાંચ ઓડિયો મેસેજ મોકલ્યા હતા. આ રેકોર્ડિંગ્સમાં આરોપી કામીલે ફરિયાદીને અત્યંત બીભત્સ અને ભુંડી ગાળો આપીને અપમાનિત કર્યા હતા. તે સમયે પરિવારની શાંતિ ખાતર હરેશભાઈએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે, આરોપીઓનો ત્રાસ અહીં જ ન અટકતા, આજથી આશરે ત્રણેક મહિના પહેલાં જ્યારે હરેશભાઈ ગંજીવાડાના નાકેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ગેંગના બીજા આરોપી અસરફ ઓડીયાએ તેમને રસ્તામાં રૂૂબરૂૂ આંતર્યા હતા. અસરફે જાહેરમાં ધમકાવતા કહ્યું હતું કે, તે અમારા માણસો ઉપર ગુજસીટોકનો કેસ કરાવ્યો છે, હવે એ બધાને જેલમાંથી છૂટી જવા દે, પછી તારી સાથે સમજી લઈશું અને તને જીવતો નહીં રાખીએ.

આ પ્રકારની ગંભીર અને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી મળતા જ ફરિયાદી હરેશભાઈ અને તેમનો પરિવાર અત્યંત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો હતો. આખરે હિંમત ભેગી કરીને હરેશભાઈ પોતાના પત્ની મનિષાબેન અને પાડોશી જુશબભાઈ આમદભાઈ ઘુઘાને સાથે રાખીને થોરાળા પોલીસ મથકે પહોંચ્યા હતા અને આપવીતી જણાવી ન્યાયની ગુહાર લગાવી હતી. થોરાળા પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને આરોપી કામીલ હાજીભાઈ ઓડીયા અને અસરફ ઓડીયા (બંને રહે. નવો થોરાળો, રાજકોટ) સામે કલમ 352, 351(3) અને 3(5) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ હાઈપ્રોફાઈલ કેસની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અશોકભાઈ રાઠોડ ચલાવી રહ્યા છે.