અમદાવાદમાં કિશોરને નગ્ન કરી દોડાવ્યો

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના વાડજ વિસ્તારમાં જૂની અદાવતના કારણે કેટલાક યુવકોએ એક સગીરને જાહેરમાં નગ્ન કરી…

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના વાડજ વિસ્તારમાં જૂની અદાવતના કારણે કેટલાક યુવકોએ એક સગીરને જાહેરમાં નગ્ન કરી દોડાવ્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આશરે બે મહિના અગાઉ દુધેશ્વર વિસ્તારમાં એક યુવક સાથે મારપીટ અને જાહેરમાં અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. તે ઘટનામાં યુવકના કપડાં ઉતરાવી તેને માફી માંગવા મજબૂર કરવામાં આવ્યો હતો અને મારપીટનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. જોકે, ડરના કારણે તે સમયે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

આ ઘટનાનો બદલો લેવા માટે યુવક અને તેના સાથીદારો તકની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન, 8 જૂનના રોજ ઇન્કમટેક્સ ચાર રસ્તા નજીક એક પાન પાર્લર પાસે તેઓને અગાઉની ઘટનામાં સામેલ સગીર મળી આવ્યો હતો. આરોપ છે કે ત્યારબાદ પાંચ યુવકોએ સગીર પર હુમલોકરી તેને માર માર્યો હતો.

ફરિયાદ મુજબ, હુમલાખોરોએ સગીરના કપડાં ઉતરાવી તેને જાહેર રસ્તા પર નગ્ન હાલતમાં દોડવા મજબૂર કર્યો હતો. ભયભીત સગીર બચવા માટે ભાગ્યો હતો, પરંતુ આરોપીઓ તેની પાછળ દોડી ફરીથી મારપીટ કરતા રહ્યા હતા. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક લોકો એકત્ર થતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બાદમાં સગીરના પરિવારજનો દ્વારા વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂૂ કરી અને ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસનું કહેવું છે કે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. સાથે જ ઘટનાના તમામ પાસાઓ અને અગાઉ થયેલી અદાવત અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.