આટકોટના જીવાપરમાં વાડીના રસ્તે ચાલવા બાબતે શિક્ષક ઉપર દાતરડાથી હુમલો

આટકોટના જીવાપર ગામે વાડીએ આવવા-જવાના જૂના રસ્તા બાબતે ચાલી રહેલી અદાવતમાં એક યુવાન શિક્ષક પર તેમના જ કુટુંબીજનો દ્વારા દાતરડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની…

આટકોટના જીવાપર ગામે વાડીએ આવવા-જવાના જૂના રસ્તા બાબતે ચાલી રહેલી અદાવતમાં એક યુવાન શિક્ષક પર તેમના જ કુટુંબીજનો દ્વારા દાતરડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે આટકોટ પોલીસ સ્ટેશનમાં શિક્ષકના મોટાબાપુ અને તેના બે પુત્રો સામે ફરિયાદ નોધાવી છે.

મળતી માહિતી અનુસાર, જીવાપર ગામે રહેતા અને જસદણની વૃંદાવન સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિવેકભાઈ બચુભાઈ સાંથળીયા (ઉં.વ. 36) એ આટકોટ પોલીસ મથકે મોટાબાપુ સવસીભાઈ ભલુભાઈ સાંથળીયા અને તેના બે પુત્ર વિઠ્ઠલભાઈ સવસીભાઈ સાંથળીયા અને જીતેશભાઈ સવસીભાઈ નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ વિવેક ગત શનિવાર, 20 જૂન 2026 ના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ વિવેકભાઈ ગામના જ ભુપતભાઈ રાતડીયા સાથે પોતાની આટકોટ રોડ પર પુલ પાસે આવેલી સીમની વાડીએ ગયા હતા. ત્યાં તેઓ ઘઉંના ભુકા (ચારા) બાબતે મકાન પાસે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે તેમના કુટુંબી મોટાબાપુ સવસીભાઈ ભલુભાઈ સાંથળીયા ત્યાં ધસી આવ્યા હતા.

સવસીભાઈએ વિવેકભાઈને રસ્તા પર ચાલવાની ના પાડી ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું. વિવેકભાઈએ આ રસ્તો વર્ષો જૂનો હોવાનું કહેતા જ મામલો બિચક્યો હતો. આ દરમિયાન સવસીભાઈનો મોટો દીકરો વિઠ્ઠલભાઈ ત્યાં લાકડી લઈને આવી પહોંચ્યો હતો,

જેના એક છેડે દાતરડું બાંધેલું હતું. વિઠ્ઠલભાઈએ ઉશ્કેરાઈને વિવેકભાઈની પીઠ પર લાકડીના બે-ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ફરિયાદીએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા વિવેકભાઈને જમણા હાથમાં દાતરડા વડે હુમલો કર્યો હતો. આ સમયે સવસીભાઈનો નાનો દીકરો જીતેશભાઈ પણ ત્યાં આવી ગયો હતો અને ગાળો ભાંડી ઝઘડો કરવા લાગ્યો હતો.

ભોગ બનનાર શિક્ષકે તાત્કાલિક ઇમરજન્સી નંબર 112 પર ફોન કરતા પોલીસની ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી, જેને જોઈને આરોપીઓ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત વિવેકભાઈને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આટકોટ પોલીસે આ મામલે આરોપીઓ સવસીભાઈ ભલુભાઈ સાંથળીયા, વિઠ્ઠલભાઈ સવસીભાઈ સાંથળીયા અને જીતેશભાઈ સવસીભાઈ સાંથળીયા વિરૂૂદ્ધ ગુન્હો નોંધી તેની ધરપકડ માટે વધુ તપાસ શરૂૂ કરી છે.