શામળાજી બોર્ડર નજીક ટ્રેનમાંથી ઝડપાયા, કંટાળી ગયા હોવાથી રાજસ્થાન ફરવા નીકળ્યાનું રટણ
સુરત શહેરની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ જવાનો મુદ્દો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ત્યારે વિદ્યાર્થી સાથે ભાગી ગયેલી શિક્ષિકા મળી આવી છે. શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે.
બે દિવસ પહેલા સુરતના પુણા વિસ્તારમાં એક જ સ્થળે રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. જેમાં 11 વર્ષના કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ કરી કે, તેમના પાંચમા ધોરણમાં ભણતો દીકરો ગાયબ હોવાની ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા કિશોર તેની શાળાની શિક્ષિકા સાથે જતો દેખાયો હતો. કિશોરની શાળાની શિક્ષિકાની ઉંમર 23 વર્ષની છે. જે તેને ટ્યુશન ક્લાસ પણ કરાવે છે.
પોલીસે તપાસ કરતા બંને છેલ્લે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને જતા દેખાયા હતા. શિક્ષિકાએ સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો અને તે ટ્રેનમાં કિશોરને લઈને રવાના થઈ ગઈ હતી. શોધખોળ દરમિયાન ગુજરાત રાજસ્થાનની શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે. જેના બાદ બંનેને પુણા પોલીસ સુરત લઈ આવવા રવાના થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, શિક્ષિકા અને વિદ્યાર્થી બંને કંટાળી ગયા હોવાથી બહાર ફરવાનો પ્લાન બનાવ્યો હતો. એટલે બંને જણા પરિવારને જાણ કર્યા વગર ફરવા નીકળી ગયા હતા. શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ સબંધ છે કે કેમ એ પ્રશ્ન ઉદભવ્યો છે. પુણા પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.

