હૃદય રોગથી વધુ એક પરિવારના મોભીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં રહેતાં અને ટાટા કંપનીમાં ફરજ બજાવતાં નયનેન્દુભાઇ પ્રવિણભાઇ ટાંક (ઉં.વ.49) પોરબંદરમાં રાણાવાવ બાયપાસ ટોલનાકા પાસે કારમાં હતાં ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં પોરબંદર હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ,નયનેન્દુભાઇ ટાટા કંપનીમાં ફાયનાન્સ વિભાગમાં નોકરી કરતાં હોઇ ગઇકાલે કંપનીના કામે અધિકારીઓ સાથે કારમાં પોરબંદર ગયા હતાં. બપોર બાદ ત્યાંથી પરત આવતી વખતે કાર રાણાવાવ બાયપાસ ટોલનાકા પાસે પહોંચી ત્યારે નયનેન્દુભાઇની તબીયત બગડતાં છાતીમાં દુ:ખાવો ચાલુ થતાં પોરબંદરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી બેભાન હાલતમાં રાજકોટ સિવિલમાં રીફર કરાયા હતાં. પરંતુ રાત્રીના મૃત્યુ થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે રાણાવાવ પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર નયનેન્દુભાઇ બે બહેનના એકના એક મોટા ભાઇ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું સગાએજણાવ્યું હતું.
