Site icon Gujarat Mirror

જામનગરમાં બાળકોને બિસ્કીટ આપવા ગયેલી યુવતીના વાહનની ડેકીમાંથી ટાબરિયાએ મોબાઈલ સેરવી લીધો

જામનગરમાં અંબર ચોકડી વિસ્તારમાં એક યુવતી ગરીબ બાળકોને બિસ્કીટ આપવા માટે આવી હતી જે દરમિયાન તેણીના સ્કૂટરની ખુલ્લી ડેકી માંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી થઈ ગઈ હતી, જે મામલો જામનગરના પોલીસ વિભાગના કંટ્રોલ એન્ડ કમાન્ડ ની ટીમ સુધી પહોંચ્યો હતો, અને તેઓએ માત્ર અડધો કલાક ના સમયગાળા દરમિયાન મોબાઈલ સેરવી લેનાર ટાબરિયા અને તેની માતાને શોધી લીધા હતા, અને મોબાઈલ ફોન કબજે કરી લીધા બાદ મૂળ માલિકને પરત સોંપી દીધો હતો. જેથી મોબાઈલ ધારક મહિલાએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો, અને પોતાને ધરમ કરવા જતાં ધાડ પડ્યા જેવા કિસ્સાનો સામનો કરવો પડ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર નજીક નારાયણ નગર વિસ્તારમાં રહેતી તન્વીબેન જયેશભાઈ સાવલાણી કે જે ગઈકાલે સાંજે 6 વાગ્યાના અરસામાં અંબર ચોકડી પાસે આવેલી બાવરીવાસમાં નાના ગરીબ બાળકોને પોતાના સ્કૂટરની ડેકીમાં બિસ્કીટ વગેરે નાસ્તો લઈને પહોંચી હતી. જ્યાં ગરીબ પરિવારના બાળકોને એકત્ર કરીને પોતાના સ્કૂટરની ડેકીમાંથી બિસ્કીટ ના પડીકા વગેરે કાઢીને તેનું વિતરણ કરી રહી હતી, જે દરમિયાન ડેકીમાં રાખેલો તન્વીબેન નો રૂૂપિયા 18,000 ની કિંમત નો મોબાઇલ ફોન કોઈએ સેરવી લીધો હતો, અને રફુ ચક્કર થઈ ગયો હતો.

તન્વીબેન ને પોતાનો મોબાઈલ ફોન ગુમ થયાની જાણકારી મળતાં તેમણે તુરત જ જામનગરના પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની ટીમનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં હાજર રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી બી સિંગલ તેમજ સ્ટાફ ના એએસઆઈ પરેશભાઈ ખાણધર તથા અન્ય સ્ટાફના રીનાબા વાઘેલા, પારુલબા જાડેજા, વર્ષાબા જાડેજા, મિતલબેન સાવલિયા અને એન્જિનિયર પ્રીતેશ હરણ વગેરે ટીમે માત્ર અડધો કલાકની અંદર અંબર ચોકડી પાસે આવેલા સીસીટીવી કેમેરાની મદદથી પીળા શર્ટ વાળા એક ટાબરીયા ની ઓળખ કરી લીધી હતી, અને સીટી બી. ડિવિઝનના પોલીસ કાફલાને તુરત જ ઝુપડપટ્ટીમાં મોકલાવી દઇ બાળકને શોધી લીધો હતો.

બાળક અને તેની માતા મોબાઈલ ફોન ને સ્વીચ ઓફ કરીને તેનું કવર બદલાવ્યું હતું અને હજુ આગળ કોઈ પ્રક્રિયા કરે, તે પહેલાં જ પોલીસ પહોંચી ગઈ હતી. અને મોબાઈલ ફોન કબજે કરી લીધો હતો. જે મોબાઈલ તેના મૂળ માલિક તન્વીબેન ને પરત સોંપી દીધો હતો, જેથી તેમણે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તન્વીબેન કે જે પોતે નાના બાળકોને નાસ્તો કરાવવા માટે ગયા, અને તેમનો જ કીમતી મોબાઈલ ફોન ચોરાઈ ગયો, અને ધરમ કરવા જતાં ધાડ પડી જેવા કિસ્સાનો સામનો કરવો પડ્યો, જોકે પોલીસ તંત્રની ત્રીજી આંખે આ કારસ્તાન ને માત્ર અડધો કલાકમાં જ પકડી પાડ્યું હોવાથી તેઓનો મોબાઇલ ફોન બચી ગયો છે.

Exit mobile version