અમદાવાદમાં કાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-20નો મહાસંગ્રામ

ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ, મોદી સ્ટેડિયમમાં રંગારંગ કલોઝીંગ શેરેમનીનું પણ આયોજન બંન્ને ટીમના હોંશલા બુલંદ, ભારતીય ટીમમાં વરૂણ ચક્રવર્તીના સ્થાને કુલદીપ યાદવ રમે તેવી શકયતા…

ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ, મોદી સ્ટેડિયમમાં રંગારંગ કલોઝીંગ શેરેમનીનું પણ આયોજન

બંન્ને ટીમના હોંશલા બુલંદ, ભારતીય ટીમમાં વરૂણ ચક્રવર્તીના સ્થાને કુલદીપ યાદવ રમે તેવી શકયતા

આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટી-20 વર્લ્ડકપનો મહાસંગ્રામ રૂપી ફાઈનલ મેચ રમાવા જઈ રહ્યો છે. ઈતિહાસમાં પ્રથમ વખત ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ફાઈનલ મેચ માટે રમી રહી છે. ટીમ ઈન્ડિયા ગઈકાલે અમદાવાદ પહોંચી હતી અને આજે સખત નેટપ્રેક્ટિસ કરી હતી. આ મેચને લઈને ન માત્ર ભારતના ક્રિકેટ રસિકો પરંતુ વિશ્ર્વભરના ક્રિકેટ રસીકોની નજર પણ છે. કારણ કે, શું ભારત ડિફેન્ડીંગ ચેમ્પિયનનો તાજ યથાવત રાખવામાં સફળ થાય છે કે નહીં તે જોવા માટે વિશ્ર્વના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે નજર માંડીને બેઠા છે.

જે રીતે ભારતે સેમીફાઈનલમાં ઈન્ગ્લેન્ડને પરાજિત કર્યુ અને ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને જે રીતે સેમિફાઈનલમાં પરાજિત કર્યુ તે જોતા આ મેચમાં કોણ વિજેતા બનશે તે કહેવું વહેલુ ગણાશે. ભારત ઘર આંગણે રમે છે એટલે સ્વભાવિક રીતે આ મેચ માટે પણ ભારત હોટ ફેવરીટ જરૂર માની શકાય. પરંતુ ન્યૂઝિલેન્ડને લાઈટલી લેવાની ભૂલ ભારત પણ કરી શકે તેવી સ્થિતિમાં નથી. કારણ કે, આ વિશ્ર્વકપ મેચમાં પણ મોટાભાગના મેચમાં ભારત માંડ માંડ જીત્યું છે. સેમિફાઈનલમાં તો 253 રન બનાવ્યા પછી પણ ભારત એક સમયે હારી જશે તેવી સ્થિતિ ઉભી થઈ હતી.

સ્વભાવિક રીતે જ પીચ નિરિક્ષણ બાદ ભારતીય ટીમમાં શું ફેરફાર કરવા તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. પરંતુ ત્યારથી એવુ માનવામાં આવી રહ્યું છે. કે ટીમમાં એક કે બે ફેરફારો જરૂરી બન્યા છે. અભિષેક શર્માનું ફોર્મ સૌથી મોટી ચિંતા ઉભી કરે છે કારણ કે, પ્રથમ ત્રણ મેચમાં જીરો રન પર આઉટ થયા બાદ અભિષેક શર્માએ માત્ર એક વખત 50 રન બનાવ્યા છે. શું તેને બેસાડીને રિંકુસિંગને તક આપવામાં આવશે તે એક પ્રશ્ર્ન બધાને સતાવી રહ્યો છે. જો કે, ટીમ મેનેજમેન્ટ અભિષેક શર્માને રમાડવાનું વિચારી રહ્યું છે. જો એવુ થશે તો ફરી એક વખત અભિષેક શર્મા અને સંજુ સેમસન જ દાવનો પ્રારંભ કરશે.

ભારત માટે સૌથી મોટી ચિંતાનું કારણ વરુણ ચક્રવતિની બોલિંગ રહી છે. વર્લ્ડકપ શરૂ થયો તે પહેલા વરુણ ચક્રવતિને ભારતનો હુકમનો એક્કો માનવામાં આવતો હતો પરંતુ વરુણ ચક્રવતિએ અત્યાર સુધીમાં સામેની ટીમ સામે કોઈ ચેલેન્જ ઉભી કરી શક્યા નથી. બલ કે તેની બોલીંગમાં રન પણ ઘણા ગયા છે. અત્યાર સુધીમાં તેમણે પ્રતિઓવર 10 રનથી પણ વધારે આપ્યા છે તે જોતા આ મેચમાં વરુણ ચક્રવતિને રમાડવાની બદલે ફરી એક વખત કુલદીપ યાદવને તક આપવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે. જો કે, અમદાવાદની પીચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ જેવી પ્લેટ પીચ હોય છે ત્યારે અહીં સ્પીનરોને કેટલીક મદદ મળી શકે છે તે પણ એક પ્રશ્ર્ન છે.
બીજી બાજુ ન્યૂઝિલેન્ડની ટીમને નબળી આંકવાની ભૂલ ભારત પણ કરતુ નથી. જે રીતે સેમિફાઈનલ મેચમાં ન્યૂઝિલેન્ડે સાઉથ આફ્રિકાને જે રીતે પરાજિત કર્યુ તે જોઈને વિશ્ર્વ પણ દંગ રહી ગયું છે. કોઈને આશા ન હતી કે, ન્યૂઝિલેન્ડની ટીમ આટલી આસાનીથી સાઉથ આફ્રિકાને હરાવી દેશે. ન્યૂઝિલેન્ડનું જમાપાસુ એ છે કે તેની પાસે ભારત જેવી જ મજબુત બેટીંગ લાઈનઅપ છે વિકેટ કિપર બેટ્સમેન ટીમ સેલ્ફટ અને ફિલ એલન જે રિતે બેટીંગ કરે છે તે જોતા કોઈ પણ બોલરના હાજા ગગડી જાય છે તેમાં પણ ફિન એલને તો છેલ્લા મેચમાં માત્ર 33 બોલમાં સેન્ચ્યુરી ફટકારીને વિશ્ર્વને ચકિત કરી દીધું હતું.

તે મેચમાં એલને જ આઠ છગ્ગા ફટકારીને ન્યૂઝિલેન્ડનો હરફનમોલા ક્રિકેટર બન્યોહતો. બીજી બાજુ તેમની પાસે રચીત રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન અને સૌથી અનુભવી એવા ડેરલ મીચલ પણ બેટીંગ લાઈનઅપમાં મજબુત છે ત્યારે ભારતના બોલરોને આ બેટ્સમેનોની વિકેટ લેવા માટે ખરા અર્થમાં મોટી વ્યૂહ રચના ઘડવી પડશે. બોલિંડ ડિપાર્ટમેન્ટમાં પણ ન્યૂઝિલેન્ડે કાઠુ કાઢ્યું છે. મેટ હેનરી, કોલ મેકોન્જી, લોકી ફર્ગ્યુશન અને રચિત રવિન્દ્રની સાથે સુકાની મિચલ સેટનર પણ આ વિશ્ર્વકપમાં ભારે સફળ રહ્યા છે. તે જોતા વિશ્ર્વકપ ફાઈનલ બન્ને ટીમ માટે ફિફટી-ફિફટી ચાન્સ બની રહેશે તેવું લાગી રહ્યું છે.

સટ્ટા બજારમાં ભારત ફેવરિટ, 70થી 80 પૈસાનો ભાવ લાગ્યો
T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થનારી આ ટક્કરને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સટ્ટા બજારમાં પણ આ મેચને લઈને મોટાપાયે હલચલ શરૂૂ થઈ ગઈ છે. સટ્ટા બજારના સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ ટીમ ઇન્ડિયા જીત માટે ફેવરિટ માનવામાં આવી રહી છે.

ભારત પર લગાવેલા દાવનો ભાવ ન્યુઝીલેન્ડની સરખામણીએ ઓછો જોવા મળી રહ્યો છે, જે દર્શાવે છે કે બજારમાં ભારતની જીતની સંભાવના વધુ માનવામાં આવી રહી છે. માહિતી મુજબ, સટ્ટા બજારમાં ભારત પર આશરે 70 થી 80 પૈસાનો ભાવ ચાલી રહ્યો છે, જ્યારે ન્યુઝીલેન્ડ પર 1.20 થી 1.30 રૂૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે. તેનો અર્થ એ થાય છે કે જો કોઈ વ્યક્તિ ભારત પર દાવ લગાવે તો ઓછા જોખમે ઓછો નફો મળે, જ્યારે ન્યુઝીલેન્ડ પર દાવ લગાવનારને વધુ નફાની શક્યતા છે.સેમિફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે સટ્ટા બજારમાં ટીમ ઇન્ડિયાની સ્થિતિ વધુ મજબૂત બની છે. બીજી તરફ ન્યુઝીલેન્ડે પણ પોતાની મેચોમાં સતત સારું પ્રદર્શન કર્યું હોવાથી કેટલાક સટ્ટાબજારના ખેલાડીઓ કિવી ટીમ પર પણ મોટો દાવ લગાવી રહ્યા છે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે બંને ટીમો મજબૂત છે અને ફાઇનલમાં કોઈપણ ટીમ જીત મેળવી શકે છે. ખાસ કરીને ન્યુઝીલેન્ડની ટીમને અન્ડરડોગ માનવી મુશ્કેલ છે, કારણ કે તેઓ મોટા મુકાબલામાં ઘણી વખત ચોંકાવનારી જીત મેળવી ચૂક્યા છે.

ટીમ ઇન્ડિયાની હોટેલ બદલાઈ, હવે રવિવારે ‘લેડી લક’ પણ બદલાશે?
અહીં મોટેરામાં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે મોટી મેચ રમાઈ હતી ત્યારે ભારતીય ખેલાડીઓ શહેરની જે હોટેલમાં રહ્યા હતા એ હોટેલ અનલકી હતી કે પછી આ મેદાન ન ફળ્યું એ વિશે ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા છે, કારણકે એ બન્ને મેચમાં ભારતનો પરાજય થયો હતો એટલે આ વખતે થોડો ફેરફાર કરવામાં આવ્યો હોવાનું મનાય છે.
2023માં વન-ડે વર્લ્ડ કપની અમદાવાદની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો. ત્યારે ભારતીયો જે હોટેલમાં રહ્યા હતા એ જ હોટલમાં આ વખતે ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડ વખતે પણ રહ્યા હતા અને એ રાઉન્ડમાં સાઉથ આફ્રિકા સામે ભારતનો ઘોર પરાજય થયો હતો. ફાઇનલ પહેલાં બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાની હોટેલ બદલી છે. હવે જે હોટેલમાં તેઓ રહેશે અને પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાન પર રમશે એટલે તેમના પર ‘લેડી લક’ના (વિધાતાનાં) આશીર્વાદની વર્ષા થશે એવી સંભવિત માન્યતા સાથે હોટેલમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું મનાય છે. અત્યારસુધી ભારતની ટીમ આઇટીસી નર્મદા ખાતે ઉતરતી હતી પણ આ વખતે ન્યૂઝીલેન્ડ ની ત્યાં ઉતારવામાં આવી છે.