આઝાદી પછી પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર રચાઈ છે. આજે 9 મે 2026ના રોજ કોલકાતાના બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડમાં ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આ શપથવિધિ થઈ. આ ઘટના બંગાળના રાજકારણમાં મોટો બદલાવ લાવી છે.
2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 294 બેઠકોમાંથી 207 બેઠકો જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો પર સિમિત રહી. આ વિજય સાથે 15 વર્ષના મમતા બેનર્જીના શાસનનો અંત આવ્યો છે. સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને ભવાનીપુર અને નંદીગ્રામ બંને બેઠકો પર હરાવી છે. શપથવિધિ સવારે 10 વાગ્યે બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડમાં થઈ. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, ભાજપ શાસિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં બંગાળી સંસ્કૃતિનો ખાસ રંગ જોવા મળ્યો. રવીન્દ્ર સંગીત, છૌ નૃત્ય અને બંગાળી મીઠાઈઓથી આખો માહોલ ભરપૂર હતો.
સુવેન્દુ અધિકારી લાંબા સમય સુધી તૃણમૂલ કોંગ્રેસમાં મમતા બેનર્જીના નજીકના સાથી હતા. 2020માં તેઓ ભાજપમાં જોડાયા અને પાર્ટીને બંગાળમાં મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ વખતે તેઓ બે બેઠકો પરથી જીત્યા અને ભાજપ વિધાનસભા પાર્ટીના નેતા તરીકે એકસમ્મતિથી ચૂંટાયા.
સુવેન્દુ અધિકારીએ કહ્યું કે લોકોએ વિકાસ અને પરિવર્તન માટે મત આપ્યો છે. નવી સરકાર હવે વિકાસ, રોજગાર, કાયદો-વ્યવસ્થા અને લોકોની સમસ્યાઓના નિવારણ પર વિશેષ ધ્યાન આપશે. આ ઐતિહાસિક ક્ષણે બંગાળમાં નવા યુગની શરૂૂઆત થઈ છે અને લોકો નવી સરકાર પાસે મોટી અપેક્ષાઓ રાખી રહ્યા છે.
