Site icon Gujarat Mirror

સુરત મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો

ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી જવાથી માસૂમ બાળકનાં મોત મામલે રાતભર સુધી લાશ નહીં સ્વીકારતા અંતે પોલીસે ગુનો નોંધ્યો, સ્મશાનયાત્રામાં અતિ કરુણ દૃશ્યો સર્જાયા

મહાપાલિકાની બેદરકારીના કારણે ડ્રેનેજની ખુલ્લી કુંડીમાં પડી ગયેલા બે વર્ષના માસુમ બાળકનું મોત નિપજ્યાની ઘટનામાં લોકોના ભારે રોષ બાદ અંતે અમરોલા પોલીસે સબંધીત અધિકારીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.

માસુમ બાળકની અંતિમયાત્રામાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતાં. અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતાં.
બાળકને બચાવવા માટે એનડીઆરએફની ટીમ સહિત ફાયર વિભાગનાં 100 થી વધુ જવાનોએ કલાકો સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. પરંતુ, ઊંડી ગટરમાંથી બાળકને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી નહોતી અને ટીમને બાળકનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાને લઈ બાળકનાં પરિવારજનો સહિત લોકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ છે. લોકોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માગ કરી છે. લોકોનાં વિરોધને જોઈ અંતે પોલીસે કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ આદરી છે.

સુરતનાં વરિયાવ વિસ્તારની ઘટનામાં અમરોલી પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સુરત મહાનગરપાલિકાનાં જે તે સબંધિત વિભાગનાં અધિકારીઓ અને તપાસમાં નીકળે તેવા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતક બાળકનાં પિતા શરદ અમૃતલાલ વેગડ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે મોડી રાત સુધી સ્મીમેર હોસ્પિટલ ખાતે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.બાળકનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટ્યું છે. સાથે જ નઘરોળ તંત્ર સામે ભારે રોષ પણ છે. પરિવાર અને સમાજનાં લોકો ઘરણાં પર બેઠા છે અને ન્યાયની માગ કરી રહ્યા છે. જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધવામાં આવે ત્યાં સુધી બાળકનો કબજો સ્વીકારવાનો પરિવાર અને સમાજનાં લોકોએ ઇનકાર કર્યો હતો. જો કે, હવે પોલીસ દ્વારા ફરિયાદ લેવાતા આજે પરિવાર દ્વારા બાળકનો મૃતદેહ સ્વીકારવામાં આવશે. માહિતી અનુસાર, સ્મીમેર ખાતે પોલાસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

બુધવારે બે વર્ષનું માસૂમ બાળક કેદાર વેગડ ડ્રેનેજની ખુલ્લી કૂંડીમાં પડી ગયું હતું. ડ્રેનેજની કુંડીનું ઢાંકણું ખુલ્લું હોવાથી આ ઘટના બની હોવાનું લોકોએ જણાવ્યું હતું. ઘટનાનાં 24 કલાક બાદ માસૂમનો મૃતદેહ દોઢ કિલોમીટર દૂર સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટમાંથી મળી આવ્યો હતો. પરિવાર અને સમાજનાં લોકોએ ધરણા કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

Exit mobile version