સુરત છેડતી કાંડ કાવત્રુ? વાયરલ ઓડિયોની તપાસ શરૂ

પોલીસ સ્ટેશન જ નહીં ભાજપ કાર્યાલય પર હુમલાનું પણ ષડયંત્ર હોવાની આશંકા, સીસીટીવી ફૂટેજમાં “રાવણ”ની હાજરી શહેરના અલથાણ વિસ્તારમાં બનેલી સગીરાની છેડતીની ઘટનાએ હવે ગંભીર…

પોલીસ સ્ટેશન જ નહીં ભાજપ કાર્યાલય પર હુમલાનું પણ ષડયંત્ર હોવાની આશંકા, સીસીટીવી ફૂટેજમાં “રાવણ”ની હાજરી

શહેરના અલથાણ વિસ્તારમાં બનેલી સગીરાની છેડતીની ઘટનાએ હવે ગંભીર રાજકીય વળાંક લઈ લીધો છે. શરૂૂઆતમાં માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો માનવામાં આવતો આ કેસ હવે રાજકીય આક્ષેપ-પ્રત્યારોપ, કાવતરાની શંકા અને જનભાવનાઓના ઉગ્ર પ્રદર્શન સુધી પહોંચી ગયો છે. ઘટનાના તુરંત બાદ પોલીસ દ્વારા આરોપીની ઝડપી ધરપકડ કરવામાં આવી હતી. તેમ છતાં, સ્થાનિક સ્તરે ભારે રોષ ફાટી નીકળ્યો અને અલથાણ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ એટલી બેકાબૂ બની કે પથ્થરમારો સુધીની ઘટના સામે આવી, જેને કારણે સમગ્ર મામલો વધુ ગરમાયો.

આ સમગ્ર ઘટનામાં હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, શું આંદોલન ખરેખર દીકરીને ન્યાય અપાવવા માટે હતું કે પછી રાજકીય લાભ મેળવવા માટે? સ્થાનિકોમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે કેટલીક તત્વોએ આ મુદ્દાને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો.

વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપે મામલાને વધુ ઉગ્ર બનાવી દીધો છે. આ ક્લિપમાં કથિત રીતે કેટલાક લોકો “આપણે ઢીલા નથી પડવાનું” જેવી વાતો કરતા સંભળાઈ રહ્યા છે, જેનાથી હંગામો પૂર્વનિયોજિત હતો કે કેમ તે અંગે શંકા ઊભી થઈ છે.

આ ઓડિયો ક્લિપને લઈને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાક લોકોના નામ ચર્ચામાં આવ્યા છે. ખાસ કરીને આપ ઉમેદવાર જીવાકાકાના સાગરીતો વચ્ચેની વાતચીત હોવાનું કહેવાય છે. જોકે,Gopal Italia એ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને આને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે.

ઘટનાક્રમમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સીસીટીવી ફૂટેજમાં મેહુલ ઉર્ફે ’રાવણ’ નામના વ્યક્તિની શંકાસ્પદ હાજરી સામે આવી. પોલીસ સ્ટેશનની આસપાસ તેની હલચલ નોંધાતા તપાસ એજન્સીઓ સક્રિય બની ગઈ છે.

સાયબર સેલ અને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂૂ કરવામાં આવી છે.
વાયરલ ઓડિયો, સીસીટીવી ફૂટેજ અને સોશિયલ મીડિયા પરના મેસેજીસને આધારે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. માત્ર પોલીસ સ્ટેશન જ નહીં પરંતુ ભાજપ કાર્યાલય પર પણ હુમલાનું કાવતરું રચાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, પોલીસનો દાવો છે કે સમયસર કાર્યવાહી કરીને મોટી હિંસા ટાળી દેવામાં આવી.