Site icon Gujarat Mirror

રાજકોટ ઇન્ટરવ્યુ દેવા આવેલી સુરતની યુવતીનું અકસ્માતમાં મોત: મિત્ર ઘાયલ

oplus_2097184

શહેરની ભાગોળે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર નજીક પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર સુરતની યુવતીનું ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ હતુ. જયારે તેના મિત્રને ઇજા પહોંચ્તા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુરતની યુવતી તેની બહેન સાથે રાજકોટ ઇન્ટરવ્યું દેવા આવી હતી. દરમિયાન મૃતક યુવતી તેના મિત્ર સાથે બાઇક પર બેસી જમવા જતા હતા ત્યારે જ કાળભેટી જતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ સુરતમાં અડજણ વિસ્તારમાં રહેતી અને હાલતમાં તેની બહેન સાથે ગાંધીધામ કચ્છમાં બ્યુટી પાલરમાં નોકરી કરતી દીશા નિલેશભાઇ ટાંક (ઉ.વ.20)નામની યુવતી તેની મોટી બહેન નીરાલી સાથે રાજકોટ ઇન્ટરવ્યું દેવા માટે આવી હતી. દરમિયાન દીશા રેલનગર વિસ્તારમાં રહેતા તેના મિત્ર રવિ સાથે બાઇક પર બેસી બંન્ને જામનગર રોડ પર જમવા જતા હતા. ત્યારે ઘંટેશ્ર્વર નજીક પહોંચતા પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં દીશા અને તેના મિત્ર રવિને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ગંભીર રીતે ધવાયેલી દિશાનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યુ હતુ. ફરજ પરના તબીબે દીશાને જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કરી પોલીસને જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ પી.બી.પટેલ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક દીશા એક ભાઇ બે બહેનમાં નાની હોવાનું અને તેના પિતા કડીયા કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. યુવતીના મોત અંગે પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ સુરતથી રાજકોટ આવવા રવાના થયા હતા. આ અંગે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Exit mobile version