ભૂતકાળની ભૂલોમાંથી ન શીખવા બદલ પરીક્ષા લેતી એજન્સી અને કેન્દ્ર સરકાર સામે આક્રોશ ઠાલવ્યો
NEET-UG પેપર લીકનો મુદ્દો દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યો છે. આ વચ્ચે, સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું. કોર્ટે કહ્યું કે તે ખૂબ જ દુ:ખદ છે કે, આ બધું થયા પછી પણ, કોઈ પાઠ શીખ્યા નથી. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ આલોક આરાધેની બનેલી એક ખાસ બેન્ચ સુનાવણીની અધ્યક્ષતા કરી રહી હતી. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA)ને વિખેરી નાખવાની માંગણીઓથી લઈને નિષ્પક્ષ CBI તપાસની માંગણીઓ સુધીની વિવિધ અરજીઓની એકીકૃત સુનાવણી કરી રહી છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, NTA અને CBI પાસેથી તબીબી પ્રવેશ પરીક્ષાઓ યોજવા માટે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) ને બદલે વધુ મજબૂત અને સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરવાની માંગ કરતી અરજીઓ અંગે જવાબ માંગ્યો છે.
એ નોંધનીય છે કે, NEET પેપર લીક કૌભાંડને પગલે, વિપક્ષ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ સચિન પાયલોટે રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા-UG (NEET-UG ) પેપર લીક ઘટનાને માત્ર સરકાર અને વહીવટની નિષ્ફળતા જ નહીં, પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય સામે આચરવામાં આવી રહેલો “ઘૃણ ગુનો” ગણાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ બાબતની નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના માતાપિતા ઘણીવાર તેમના બાળકોને શિક્ષિત કરવા માટે લાખો રૂૂપિયાની લોન લે છે, તેમના ઉજ્જવળ ભવિષ્યની આશા રાખે છે; જોકે, આ ભ્રષ્ટ વ્યવસ્થાએ તેમનો વિશ્વાસ સંપૂર્ણપણે તોડી નાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તે ખૂબ જ દુ:ખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે પીડિત પરિવારો અને યુવાનોએ આ અન્યાય સામે ન્યાય માટે અપીલ કરી, ત્યારે પોલીસ અને વહીવટીતંત્રે તેમની સાથે અસંવેદનશીલતા અને ગેરવર્તણૂક કરી. આ વ્યવસ્થાની નિષ્ફળતાને કારણે થયેલા જીવ ગુમાવવાની સંપૂર્ણ જવાબદારી આ વહીવટી તંત્ર અને સરકારની છે.
18 વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
NEET UG 2026 પરીક્ષા રદ્દ થવા અને ફરીથી પરીક્ષા યોજાવાના કારણે સર્જાયેલા ગંભીર માનસિક તણાવ વચ્ચે કર્ણાટકના કલબુર્ગીમાં 18 વર્ષની વિદ્યાર્થીની ભાગ્યશ્રીએ આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવી દીધો છે. 12મા ધોરણમાં 92 ટકા માર્ક્સ મેળવનારી ભાગ્યશ્રીના આ પગલાથી તેના પરિવાર સહિત સમગ્ર દેશમાં ભારે આઘાત અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. હતાશા અને તણાવમાં જીવતા યુવાનો હવે સત્તાવાળાઓ સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહ્યા છે.
