હરેન પંડયા હત્યા કેસના આરોપીની સમયપૂર્વ મુક્તિની અરજી સુપ્રીમે ફગાવી

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મોહમ્મદ અસગર અલી દ્વારા સમયપૂર્વે મુક્તિ મેળવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ…

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મોહમ્મદ અસગર અલી દ્વારા સમયપૂર્વે મુક્તિ મેળવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે 12 ઓક્ટોબરે ફગાવી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા કોર્ટને એ બાબતની જાણ કરવામાં આવી હતી કે તેની માફીની અરજી ફગાવી દેવામાં આવી છે, જેના પગલે આ આદેશ આપવામાં આવ્યો છે.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અપરેશ કુમારસિંહની બેંચે આ મામલાની સુનાવણી કરતા આદેશ આપ્યો હતો કે રાજ્ય સરકારે તેની માફીની અરજી નકારી દીધી છે અને દોષિતને હાઈકોર્ટમાં આ નિર્ણયને પડકારવાની સ્વતંત્રતા છે, તેથી આ મામલે હવે વધુ સુનાવણી ચાલુ રાખવામાં આવશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જુલાઈ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને છ મહિનામાં આ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. ગત 26 માર્ચ 2003 ના રોજ અમદાવાદમાં લો ગાર્ડન પાસે મોર્નિંગ વોક પર નીકળેલા હરેન પંડ્યાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈના જણાવ્યા અનુસાર રાજ્યમાં 2002ના રમખાણોનો બદલો લેવા માટે તેમની હત્યા કરવામાં આવી હતી.

જૂન 2007માં ટ્રાયલ કોર્ટે આ કેસમાં 12 વ્યક્તિઓને દોષિત જાહેર કર્યા હતા, જોકે 2011માં હાઈકોર્ટે તપાસ ’ખામીયુક્ત’ અને ’ગેરમાર્ગે દોરાયેલી’ હોવાનું જણાવી તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ 2019માં સુપ્રીમ કોર્ટે પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કેસમાં આરોપીઓની દોષિતી અને સજાને બહાલ રાખી હતી. આ કેસની કાનૂની કાર્યવાહી મોહમ્મદ અસગરઅલી મોહમ્મદ વજીરઅલી વિરુદ્ધ ગુજરાત રાજ્ય (SLP(Crl) નં. 15558-15559/2026, ડાયરી નં. 46668/2026) હેઠળ નોંધાયેલી છે.