Site icon Gujarat Mirror

ધાર્મિક ઉત્સવના નામે યુવા પેઢી મોજશોખ તરફ વળી તે મોટી ચિંતા

ડ્રગ્સ-દારૂના દૂષણમાંથી લોકોને મુક્ત કરવા સરકારે અસરકારક પગલાં લેવા જરૂરી, તો જ નવી પેઢીને ધર્મ પ્રત્યે આંતરિક ભાવ જાગશે

વિદેશ તરફ આકર્ષાતા યુવાધનને દેશમાં જ જરૂરી વ્યવસ્થા મળવી જોઈએ, આરોગ્ય અને શિક્ષણ સેવામાં સમાનતાથી સમસ્યા હલ થઈ શકે

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગુરુદેવ ગિરીશચંદ્રજી સ્વામીના સુશિષ્ય,ગુજરાત રત્ન સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા ગુરુદેવ જગદીશમુનિ મહારાજ સાહેબના શિષ્ય રત્ન સદગુરુદેવ પારસ મુનિ મહારાજ સાહેબના સાંનિધ્ય માં તા.11 જાન્યુઆરીના રોજ જૈન ઇન્ટરનેશનલ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન સંચાલિત માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર સાવરકુંડલા વાળા (હાલ મુંબઈ) ભાનુમતીબેન વનચંદ પારેખ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયના ઉદ્ઘાટન થવાનું છે ત્યારે આજરોજ પૂજ્ય પારસમુનિ મહારાજ સાહેબ, જૈન અગ્રણી મયુર શાહ તથા અન્ય જૈન અગ્રણીઓ સાથે ’ગુજરાત મિરર’ની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. તેઓએ આવનાર 2026 ના વર્ષ વિશે લોકોને જાગૃત કર્યા હતા ઉપરાંત વર્તમાન સમયમાં યુવા પેઢી ની ધર્મ વિમુખતા,સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ,પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફનો ઝુકાવ તેમજ સત્તા પક્ષ વિશે ’ગુજરાત મીરર’ના એડિટર અને માલિક સંજય ભાઈ પટેલ સાથે વિગતે ચર્ચા કરી હતી.

તેઓએ વર્તમાન સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ અને તહેવારોની ઉજવણી વિશે જણાવ્યું હતું કે યુવાપેઢી પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી છે તેના માટે દરેકે જાગૃત બનવું પડે.મૂળભૂત સંસ્કૃતિને જાળવવી પડે. સંસ્કૃતિ ધર્મ અને પંથથી પણ ઉપર સૌ પ્રથમ આર્ય સંસ્કૃતિ છે. જો તેના મુજબ રીતભાત અને વ્યવહાર કરવામાં આવે તો જીવન આપોઆપ સુધરી જાય.અત્યારના સમયમાં આવકનું ધોરણ ઓછું થયું નથી પરંતુ ખર્ચનું ધોરણ વધવાના કારણે પારિવારિક અસ્થિરતા આવી છે અને તેના કારણે અનેક પ્રશ્નો સર્જાય છે.

મીડિયાની જવાબદારી વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે મીડિયાનું યોગદાન રાષ્ટ્રની પરિસ્થિતિમાં હંમેશા મહત્વનું રહ્યું છે ચાહે એ દેશની આઝાદી હોય કે દેશની ઉન્નતિની વાત હોય કે પછી જનજાગરણ ની વાત હોય. મીડિયા એ મહત્વનો ભાગ ભજવ્યો છે. સામાન્ય માણસ સુધી પહોંચવાનું કામ મીડિયા કરે છે.

વિદેશમાંથી ભારતીયોને હાંકી કાઢવા બાબત તેઓએ જણાવ્યું કે કોઈપણ દેશ પોતાના સાર્વભૌમત્વ ના રક્ષણ માટે અમુક નિર્ણયો લેતા હોય છે. કોઈ એક જ દેશમાં લોકો સ્થાયી થાય તો જે તે સમયે દેશ કે પ્રદેશની પ્રજાનું અસ્તિત્વ જોખમમાં આવે અને ત્યારે અમુક નિર્ણયો લેવા પડતા હોય છે.ઉપરાંત નવી પેઢી ડ્રગ્સ અને દારૂૂના દૂષણ માંથી મુક્ત થાય તો અનેક પ્રશ્નોના ઉકેલ આવે અને આ માટે સરકારે પણ કાયદાકીય પગલાં લેવા ખૂબ જરૂૂરી છે. જ્યારે સત્તા,સત્તા ની રીતે ચાલે તો દૂષણ જળમૂળમાંથી નાશ પામે છે નવી પેઢી વ્યસન મુક્ત થશે તો જ ધર્મ પ્રત્યે આંતરિક ભાવ જાગશે.

નવા વર્ષે નવી પેઢીને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે અન્યનું સ્વીકારવાના બદલે તમે જે પંથમાં જન્મ્યા છો તેમાં શ્રદ્ધા આસ્થા રાખીને તેના આચાર વિચારનું પાલન કરવું જોઈએ. અન્ય તહેવાર ઉજવવાના બદલે પોતાની સંસ્કૃતિ અને ધર્મનું પાલન કરવું જોઈએ. અત્યારે યુવાઓએ ધાર્મિક ઉત્સવના નામે મોજ શોખ તરફ વળી ગયા છે તે યોગ્ય નથી. યુવાધન વિદેશ તરફ પ્રયાણ કરી રહ્યું છે તે બાબત તેઓ જણાવ્યું કે ભણવાના નામે વિદેશ જાય છે ત્યારે યુવાનો કંઈક મેળવવા માટે જાય છે. જો એ જ વ્યવસ્થા અહીં મળી રહે તો આ પ્રશ્ન આપો આપ ઉકેલાઈ જાય. સમાન શિક્ષણ, સમાન આરોગ્ય અને દરેક વ્યવસ્થામાં સમાનતા હોય તો પ્રશ્ન સર્જાવાની શક્યતા રહે નહીં.

2026ના વર્ષની આગાહી
નવા વર્ષ વિશે તેઓએ લોકોને સતર્ક કરતા જણાવ્યું હતું કે 2026 એટલે આઠનો અંક,જે રાહુનો અંક આવે તેથી આવનારા વર્ષમાં ખોટું વધારે થાય, છેતરપિંડી થાય,ખોટી વસ્તુને સપોર્ટ મળે. આ વર્ષને 2026 ના અંક તરીકે લખવામાં આવે તો એકનો અંક એટલે કે સૂર્યનો અંક આવે તો સકારાત્મક પરિણામ મળે. રાજકીય પરિસ્થિતિમાં સ્થિરતા આવે, આત્મશક્તિ વધે અને આર્થિક સધ્ધરતા પણ વધે. માતા પિતાની ચરણ રજ લઈને કોઈ પણ કાર્ય કરવામાં આવે તો વ્યક્તિ સફળ બનશે

Exit mobile version