Site icon Gujarat Mirror

રાજકોટમાં ભરશિયાળે ઉનાળા જેવી ગરમી, તાપમાન 30 ડિગ્રીને પાર

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ડિસેમ્બર એન્ડ આવવા છતાં હજુ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો નથી અને ડબલ ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે. અત્યારે રાજકોટમાં તો ભર શિયાળે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજકોટ ગઈકાલે 34.3 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું ત્યારે આજે પણ 30 ડિગ્રી જેવું તાપમાન નોંધાયું છે. જો કે, આગામી 48 કલાકમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે ઠંડક ભરી આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી બે દિવસમાં રાજ્યમાં લઘુત્તમ પારે ગગડતા ઠંડીનું જોર વધશે.

ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી રાજકોટમાં નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 13.8 ડિગ્રીમાં નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 14.4, મહુવામાં 14.9 અને ભાવનગરમાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. જેના પગલે રાત્રી અને સવારે ઠંડીમાં વધારો થઇ શકે છે.

રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 13.8 ડિગ્રી, વડોદરામાં 14.4, મહુવામાં 14.9, ભાવનગરમાં 15.4, કેશોદમાં 15.5, ગાંધીનગરમાં 16, પોરબંદરમાં 16, રાજકોટમાં 16.2, ડીસામાં 16.6, વલ્લભ વિદ્યાનગરમાં 16.8, અમદાવાદમાં 17, સુરેન્દ્રનગરમાં 17.4, ભુજમાં 18, કંડલા પોર્ટમાં 18, વેરાવળમાં 18.8, સુરતમાં 19.4, દ્વારકામાં 20.4 અને ઓખામાં 20.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Exit mobile version