ગુજરાત

ખંભાળિયામાં ચાલતા સફાઇ કામદારોના આંદોલનનો સુખાંત

Published

on

18 દિવસ આંદોલન ચાલ્યું: પ્રાદેશિક નિયામક, કલેકટર અને કેબિનેટ મંત્રી બન્યા મધ્યસ્થી

ખંભાળિયા નગરપાલિકામાં કામ કરતાં સફાઈ કામદારો દ્વારા તેઓના વિવિધ પડતર પ્રશ્નો સહિતના મુદ્દે હાથ ધરવામાં આવેલું હડતાલ આંદોલન ગત સાંજથી સમેટાઈ ગયું છે અને કામદારો કામ પર લાગી જતા નગરજનોએ રાહતનો દમ ખેંચ્યો છે. ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા તેઓના પગારમાંથી જીપીએફ, ઈપીએફના નાણા કપાઈ ગયા હોવા છતાં સરકારમાં જમા ન થવા, નવા રોજમદારોની ભરતી કરવા સહિતના 11 મુદ્દાઓને લઈને અપાયેલા અલ્ટીમેટમ બાદ ગત તારીખ 21 મી થી હાથ ધરવામાં આવેલા પ્રતીક ઉપવાસ આંદોલનનો લાંબી ચર્ચાઓ અને જહેમત બાદ ગઈકાલે સુખદ નિરાકરણ બાદ અંત આવ્યો છે.

ગુજરાત રાજ્ય સફાઈ કર્મચારી મહામંડળના પ્રમુખ કસ્તુરભાઈ મકવાણા તથા મહામંત્રી રમેશભાઈ વાઘેલા દ્વારા આ આંદોલનની પૂર્ણાહુતિ અંગે જણાવાયું હતું કે છેલ્લા 18 દિવસથી ચાલતા હડતાલ અને પ્રતિક ઉપવાસમાં દિવાળીના તહેવારોમાં કામદારોએ ચાલુ હડતાલ અને ઉપવાસ આંદોલન વચ્ચે પણ સફાઈ કામગીરી કરી હતી. જે પછી ગઈકાલે ગુરુવારે બપોરે અહીંના સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, પ્રાદેશિક નગરપાલિકા નિયામક જાની, ચીફ ઓફિસર રાહુલ કરમુર, નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દતાણી, શૈલેષભાઈ કણજારીયા, પી.એમ. ગઢવી, રેખાબેન ખેતીયા, ડેપ્યુટી કલેક્ટર કે.કે. કરમટા વિગેરેની ઉપસ્થિતિમાં આંદોલનકારી અગ્રણીઓ વચ્ચે તમામ મુદ્દાઓ અંગે સવિસ્તૃત ચર્ચાઓ, વિચારણાઓ કરવામાં આવી હતી. જેમાં સમાધાન સધાતા જિલ્લા કલેકટર પંડ્યા તથા પ્રાદેશિક નિયામક જાનીના હસ્તે આમરણાંત ઉપવાસીઓને શરબત તથા મીઠું મોઢું કરાવીને પારણા કરાવાયા હતા. અહીંની કલેકટર કચેરી ખાતે આવેલા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પણ પારણા કરાવ્યા હતા, જેના ફળ સ્વરૂૂપે શહેરમાં આજથી સફાઈ કામગીરી રાબેતા મુજબ શરૂૂ થઈ ગઈ છે.

સમાધાનની ફોર્મ્યુલાના મુદ્દાઓ
નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા જે 11 મુદ્દાઓને લઈને હડતાલ આંદોલન કરવામાં આવ્યું હતું, તેમાં સધાયેલી સહમતીમાં સફાઈ કામદારોને ઉચ્ચતર પગાર ધોરણ નગરપાલિકાના મહેકમ ખર્ચની સ્થિતિ જળવાય ત્યારે સક્ષમ ઓથોરિટીને દરખાસ્ત કરીને મંજૂર થયેથી ચૂકવાશે. 2017માં નિમણૂક પામેલા 32 સફાઈ કામદારોને નવી વર્ધિત પેન્શન યોજનામાં જોડાવા સરકારનો માર્ગદર્શન મંગાશે. પાલિકાના નિવૃત્ત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓનું પેન્શન રિવિઝન કરવા આગામી સામાન્ય સભામાં ઠરાવ થશે. આ કામગીરી તારીખ 31 ડિસેમ્બર 24 સુધીમાં પૂર્ણ કરાશે. પાલિકા દ્વારા પેન્શન ફંડના નાણાં ક્યાં વપરાયા તેનો હિસાબ વાઉચરો સાથે અપાશે તથા આવકનો સ્ત્રોત વધતા અને શોપિંગ સેન્ટરની હરાજી તથા પેન્શન ફંડમાં આ રકમ જમા કરી દેવાશે. સફાઈ કામદારોને આશ્રય માટે પ્લોટ ફાળવવાનો ઠરાવ સામાન્ય સભામાં કરી અને જિલ્લા તંત્રને દરખાસ્ત કરાશે. કાયમી કર્મચારીઓના જી.પી.એફ. તથા રોજમદારોના ઈ.પી.એફ. અને અને એલ.આઈ.સી.ની રકમ જે ભરવાની બાકી છે, તે દસ દિવસમાં ભરીને તારીખ 31 નવેમ્બર સુધીમાં અહેવાલ અપાશે. નવા કર્મચારીઓના ઈ.પી.એફ. એકાઉન્ટ તારીખ 30 નવેમ્બર પહેલા ખોલશે. આ ઉપરાંત પાલિકામાં કર્મચારીઓની જગ્યા માટે પસંદગી સમિતિ બનશે ત્યારે પાંચ ટાઈમ ઇસ સફાઈ કર્મચારીઓની ભરતી કરાશે. હાલ જે સફાઈ કામદારોની ઘટ છે, તે જગ્યા પૂર્ણ કરવા માટે નગરપાલિકાના સખી મંડળો, આઉટ સોર્સ, ડોર ટુ ડોર કચરા કલેક્શન વિગેરેમાં તારીખ 30 નવેમ્બર સુધીમાં ભરતી થશે. ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં સામાન્ય સભામાં ઠરાવ થશે અને તે જ રીતે ઉચ્ચક સહાય અપાશે. આ સમાધાનની ફોર્મ્યુલા લેખિતમાં તૈયાર કરવામાં આવી છે. જેમાં નગરપાલિકા તરફે પ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન સાથે કામદારોના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ આંદોલન પૂર્ણ કરવા માટે નગરપાલિકાની ચીફ ઓફિસર રાહુલ કરમૂર તથા રાજ્યમંત્રી મુળુભાઈ બેરા દ્વારા ખાસ સંકલન સાથે જહેમત ઉઠાવવામાં આવી હતી. જેના પરિણામે 18 દિવસ બાદ આજે સફાઈ કામદારોની હડતાલ પૂર્ણ થતા સફાઈ કાર્ય રાબેતા મુજબ શરૂૂ થયું છે. જેથી લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version