Site icon Gujarat Mirror

જામનગર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ: નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ

જામનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે વહેતા થયેલા સમાચારો બાબતે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠકરે મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, સમગ્ર જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે જિલ્લાના પેટ્રોલિયમ પેદાશના ડીલરો, પેટ્રોલ પંપના માલિકો તેમજ પેટ્રોલિયમ કંપનીઓ સાથે ખાસ બેઠક યોજી વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આજરોજ તારીખ 11-03-2026 ની સ્થિતિએ જામનગર જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર ઇંધણનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી પ્રેરાવું નહીં તેમજ કોઈપણ પ્રકારની પેનિક સિચ્યુએશનમાં ન આવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે.

વિશેષમાં, અમુક પેટ્રોલ પંપ પર સ્થાનિક પરિસ્થિતિને કારણે હાલ ઇંધણનો જથ્થો ઉપલબ્ધ નથી ત્યાં પેટ્રોલ-ડીઝલના જથ્થાની તાત્કાલિક આપૂર્તિ કરવા માટે પણ તમામ પેટ્રોલિયમ કંપનીઓને તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે જ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા આ પ્રકારની પાયાવિહોણી અફવા ફેલાવનાર શખ્સો સામે કડક કાયદાકીય પગલાં લેવા માટે પોલીસ તંત્રને પણ જરૂૂરી આદેશો આપવામાં આવ્યા છે.

Exit mobile version