કોટામાં રાહુલની મેગા રેલીમાં વિદ્યાર્થીઓ ઉમટ્યા, શિક્ષણમાં લીક પે લીક પર વાર

શિક્ષણ મંત્રાલયના બજેટ જેટલો 1.32 લાખ કરોડનો ખર્ચ NEETની તૈયારીમાં થાય છે પણ સરકારના વાંકે જિંદગી બગડે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોટામાં વિદ્યાર્થીઓ અને…

શિક્ષણ મંત્રાલયના બજેટ જેટલો 1.32 લાખ કરોડનો ખર્ચ NEETની તૈયારીમાં થાય છે પણ સરકારના વાંકે જિંદગી બગડે છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોટામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે મુલાકાત કરીને ભારતીય શિક્ષણ પ્રણાલીને ‘પસંદગીની વ્યવસ્થા નહીં, પરંતુ અસ્વીકારની વ્યવસ્થા’ તરીકે વર્ણવી છે. NEET રી-ટેસ્ટ પહેલાં કોટાના દુસ્સેહરા મેદાનમાં ‘છાત્રોની ગુંજ’ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ કાર્યક્રમ કોઈ રાજકીય નથી, પરંતુ વિદ્યાર્થીઓની સમસ્યાઓ પર કેન્દ્રિત છે. તેમણે પેપર લીક, ઉચ્ચ ખર્ચ, લોન અને વિદ્યાર્થીઓના માનસિક તણાવના મુદ્દાઓ ઉઠાવ્યા. એક NEET ઉમેદવાર અકાંક્ષાના આત્મહત્યાના કેસનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આવા કેસો વિદ્યાર્થીઓના સપનાઓને તોડી નાખે છે.

રાહુલ ગાંધીએ આંકડા આપતાં કહ્યું કે NEET માટે વાર્ષિક 22 લાખ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે
અને કુટુંબો કોચિંગ, હોસ્ટેલ, પુસ્તકો અને ફી પર આશરે 1.32 લાખ કરોડ રૂૂપિયા ખર્ચ કરે છે. આ રકમ કેન્દ્ર સરકારના શિક્ષણ બજેટ જેટલી છે. NEET, JEE, UPSC જેવી પાંચ મુખ્ય પરીક્ષાઓ માટે કુલ ખર્ચ આશરે 3.5 લાખ કરોડ રૂૂપિયા છે, જે શિક્ષણ, આરોગ્ય, શ્રમ, વિજ્ઞાન અને મહિલા-બાળ વિકાસ મંત્રાલયના કુલ બજેટ જેટલો છે.

તેમણે કહ્યું કે આ ખર્ચ વાલીઓના ખીસ્સામાંથી, લોન અને બલિદાનો દ્વારા આવે છે. આ વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે ‘અત્યંત તણાવપૂર્ણ, અન્યાયી અને ક્રૂર’ છે. મંચ પર વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ તેમની સમસ્યાઓ સાંભળી. એક વિદ્યાર્થીએ 2 લાખ રૂૂપિયાની લોનનો ઉલ્લેખ કર્યો. રાહુલે કહ્યું કે વાલીઓએ લોન લઈને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો એ અન્યાય છે, કારણ કે આ દેશની સરકારની જવાબદારી છે. કાર્યક્રમમાં ડીજે રેપ પર્ફોર્મન્સ અને વિદ્યાર્થીઓની ભાગીદારીએ તેને વિશેષ બનાવ્યો હતો.

કોંગ્રેસે 10,000 વિદ્યાર્થીઓનું લક્ષ્ય રાખ્યું હતું અને હજારો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત ત્યારે જ સફળ થશે જ્યારે તમે સફળ થશો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના સપનાઓ અને તેમની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ કરે છે.