ધો.12 સાયન્સના પરિણામ પહેલા જ વિદ્યાર્થીઓને ચાર ગુણની લ્હાણી

સાયન્સનું પરિણામ જાહેર થાય તે પહેલા ગુજરાતી-અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને 4 અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને 3 ગુણની લ્હાણી થઈ ગઈ છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સની…

સાયન્સનું પરિણામ જાહેર થાય તે પહેલા ગુજરાતી-અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને 4 અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને 3 ગુણની લ્હાણી થઈ ગઈ છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સની પરીક્ષા લેવામાં આવ્યા બાદ મુખ્ય ચાર વિષયની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. જેમાં કેમિસ્ટ્રી અને ફિઝિક્સ વિષયના પ્રશ્નપત્રોમાં કેટલાક પ્રશ્નોમાં ભૂલ હોવાનું જણાતા તે પ્રશ્નો માટે વિદ્યાર્થીઓને ગુણ આપવાનું નક્કી કરાયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલી પ્રોવિઝનલ આન્સર કીને લઈને ઉમેદવારોને રજૂઆત હોય તો 4 એપ્રિલ સુધી કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સાયન્સની પરીક્ષા લેવામાં આવી હતી. હાલમાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, શિક્ષણ બોર્ડ દ્વારા પો.12 સાયન્સના મુખ્ય ચાર વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. જેમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેલ્સ અને બાયોલોજી વિષયની ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. આન્સર કીને લઈને કોઈ રજૂઆત હોય તો 4 એપ્રિલ સુધીમાં બોર્ડને ઈ-મેઈલ દ્વારા રજૂઆત મોકલવાની રહેશે. શિક્ષણ બોર્ડ સમક્ષ રજૂઆત માટે પ્રશ્નદીઠ રૂૂ. 500નું ચલણ ભરી જમા કરાવવાનું રહેશે. ઈ-મેઈલ સાથે ચલણની કોપી જોડવાની રહેશે, તે વગરની રજૂઆતો ધ્યાને લેવાશે નહીં, રજૂઆતોની નિષ્ણાતો પાસે ચકાસણી કરાવવામાં આવશે. જેમાં જો રજૂઆત સાચી ઠરશે તો ઉમેદવારોને પ્રશ્ન દીઠ ભરેલા પૈસા પરત કરવામાં આવશે.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કીની વિગતો જોઈએ તો, ધો.12 સાયન્સમાં ગણિત અને બાયોલોજીના પેપરમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન હોવાનું જણાયું હતું. જ્યારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના પ્રશ્નપત્રોમાં ભૂલ હોવાનું જણાતા તે ભૂલ ભદલ ગુણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેમિસ્ટ્રીના પ્રશ્નપત્રમાં ગુજરાતી અને હિન્દી માધ્યમના પ્રશ્નપત્રમાં એક-એક પ્રશ્નમાં ભૂલ હોવાનું જણાયું હતું. જેથી આ પ્રશ્નો માટે તમામ વિદ્યાર્થીઓને 1-1 ગુણ આપવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રમાં બે પ્રશ્નોમાં ભૂલ હોવાનું જણાતા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને 2 ગુણ આપવામાં આવશે.

આ ઉપરાંત ફિઝિક્સના પ્રશ્નપત્રમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને 3 ગુણની જ્યારે હિન્દી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને 2 ગુણની લ્હાણી થશે, કેમિસ્ટ્રીના પ્રશ્નપત્રમાં ત્રણેય માધ્યમના પ્રશ્નપત્રમાં ભૂલ હોવાનું જણાયું હતું. જેથી તેમને પ્રોવિઝનલ આન્સર કીમાં ગુણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, બોર્ડદ્વારા જાહેર કરાયેલી ધો.12 સાયન્સના મુખ્ય ચાર વિષયોની પ્રોવિઝનલ આન્સર કી અનુસાર, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીમાં અને ફિઝિક્સમાં 3 ગુણ મળી કુલ 4 ગુણ મળશે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીમાં 2 અને ફિઝિક્સમાં 2 મળી કુલ 4 ગુણ મળશે.