ભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી નજીક આવેલી સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ ઉત્તેજનાપૂર્ણ બની ગયું હતું. હોસ્ટેલમાં અપાતું હલકી ગુણવત્તાનું ભોજન, પીવાના પાણીની…

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી નજીક આવેલી સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ ઉત્તેજનાપૂર્ણ બની ગયું હતું. હોસ્ટેલમાં અપાતું હલકી ગુણવત્તાનું ભોજન, પીવાના પાણીની વિકટ સમસ્યા અને વિદ્યાર્થિનીઓની અસુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓને લઈને આક્રોશે ભરાયેલી છાત્રાઓએ પટાંગણમાં એકઠા થઈને તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે હંગામો મચાવ્યો હતો. સ્થિતિ વણસતાં આખરે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે બોલાવવાની ફરજ પડી હતી.

મળતી વિગતો મુજબ, હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ લાંબા સમયથી પાયાની સુવિધાઓના અભાવ સામે ઝઝૂમી રહી છે. ભોજનમાં જીવજંતુઓ, કીડા અને પ્લાસ્ટિક નીકળતા હોવાના તેમજ પીવાના પાણીમાં લીલ આવતી હોવાના સંગીન આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્રીજા માળે રહેતી રાજેશ્વરીબા ગોહીલ નામની અગ્રણી વિદ્યાર્થિનીએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, પીવાનું પાણી ભરવા માટે ત્રીજા માળેથી આઠમા માળે સુધી ધક્કા ખાવા પડે છે અને ત્યાં પણ લીલવાળું દૂષિત પાણી આવે છે. આ અશુદ્ધ પાણી પીવાના કારણે હોસ્ટેલની એક વિદ્યાર્થિનીને ટાઈફોઈડ થઈ જતાં તબીબી સારવાર લેવી પડી છે.

વિદ્યાર્થિનીઓએ તંત્રની જોહુકમી સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અગાઉ આ પડતર પ્રશ્નો અંગે ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સમસ્યાઓનો ઉકેલ લાવવાને બદલે સ્થાનિક સત્તાધીશો દ્વારા વિદ્યાર્થિનીઓ પર દબાણ બનાવીને સમૂહમાં માફીપત્ર લખાવી લેવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કરાયો છે. આ ઉપરાંત હોસ્ટેલ પરિસર બહાર અજાણ્યા પુરુષોની શંકાસ્પદ અવરજવર અને કઢંગી હાલતમાં ઉભા રહેવાની ઘટનાઓ છતાં સુરક્ષા કેમેરા બંધ હોવાથી વિદ્યાર્થિનીઓની સલામતી સામે મોટો ખતરો ઊભો થયો છે.

મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓ અને સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક એમ. એન. ગામીત તાબડતોબ હોસ્ટેલ પરિસરમાં દોડી આવ્યા હતા. તેમણે અડધી રાત્રે છાત્રાઓની તમામ રજૂઆતો શાંતિપૂર્ણ રીતે સાંભળી હતી. નાયબ નિયામકે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કેટલીક વિંગમાં પાઈપલાઈનના કામને કારણે પાણીની સમસ્યા સર્જાઈ છે. તેમણે ભોજન, પાણી અને સિક્યોરિટી સહિતના તમામ મુદ્દાઓનું આગામી બે દિવસમાં કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપતાં આખરે વિદ્યાર્થિનીઓનો રોષ શાંત પડ્યો હતો.