શહેરમાં આગામી 11 ઓક્ટોબરથી શરૂૂ થઈ રહેલા નવરાત્રિ મહોત્સવને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. નવરાત્રી મહોત્સવ-2026 શાંતિમય અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં યોજાય તે માટે પોલીસ વિભાગે તૈયારીઓ તેજ કરી છે. રાજકોટ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં પોલીસ કમિશનરની કચેરી ખાતે 41 જેટલા અર્વાચીન રાસોત્સવ અને પ્રાચીન ગરબાના આયોજકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિક પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સાથે શહેરના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ અને શી ટીમના ઇન્ચાર્જ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે સુરક્ષામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. ગરબા આયોજકો માટે કડક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે, જેનું તમામે ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. પોલીસની ખાસ ટીમ દ્વારા આ તમામ વ્યવસ્થાઓનું દરરોજ ગરબા સ્થળ પર જઈને ચેકિંગ કરવામાં આવશે.
અર્વાચીન અને પ્રાચીન ગરબીના સ્થળ આસપાસ રોમિયોની એક એક હરકત પર પોલીસ નજર રાખશે. રાજકોટના તમામ પોલીસ સ્ટેશનમાં તાલીમી મહિલા પોલસની 8 સભ્યોને ખાસ બદોબસ્ત માટે ફાળવવામાં આવ્યા છે.પોલીસની અલગ અલગ ટીમો બનાવી છે.જે ટીમમાં કેટલાક સભ્યો ટ્રેડીશનલ ડ્રેસમાં પણ જોવા મળશે.જે મહિલાઓની વચ્ચે જઇને ગરબા રમવાની સાથે સાથે આસપાસની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખશે. મહિલા પોલીસની રક્ષક ટીમ ગરબીના સ્થળ ઉપરાંત જે અવાવરૂૂ જગ્યાઓ છે કે જ્યાં કપલો બેસવાની શક્યતા હોય છે તેવા વિસ્તારોમાં પણ સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરશે. સ્થાનિક પોલીસની શી ટીમને જવાબદારી સોપાઈ છે.મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે અને રોમિયોગિરી કરતા રોમિયોને પાઠ ભણાવશે.
મહિલાઓને કઈ પણ તકલીફ પડે તરત જ 112 નંબર ઉપર જાણ કરવા અપીલ કરાઈ છે નવરાત્રીના તહેવારમાં મહિલાઓની સુરક્ષા લઇ શહેર પોલીસ સજ્જ છે. નવરાત્રીના તહેવાર દરમિયાન છાકટા બનીને ફરતાં રોમિયોને પકડવા માટે પોલીસ ખાનગી વાહનનો પણ ઉપયોગ કરવાની છે. શહેરમાં કોઇ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખશે સાથે સાથે નવરાત્રી દરમિયાન વહન ચોરી અને ઘરફોડ ચોરીના બનવો અટકાવવા રાજકોટના મુખ્યમાર્ગો ઉપર પણ પોલીસનો બંદોબસ્ત ઉપરાંત પેટ્રોલિંગ રાખવાની છે.
નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અર્વાચિન ગરબા આયોજકો માટે કેટલાક કડક નિયમો બનાવ્યા છે. અને તેનો કડક પણે અમલ કરાવવા પણ સુચના આપી છે, છેલ્લા 2 વર્ષથી નવા આકરા નિયમોના કારણે મંજુરી લેવામાં પરસેવો છુટી જાય તેવા નિયમો બનાવાયા છે. તેમજ કોઈપણ ભોગે રાતના 12ના ટકોરે ગરબા બંધ કરી દેવા સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. જો 12 વાગ્યા પછી ગરબા આયોજકો ગરબા ચાલુ રાખશે તો તેના માટે આયોજક સાથે સાઉન્ડ ભાડે આપનારની જવાબદારી બનશે અને તેની સામે પોલીસ ગુનો નોંધશે.
આ ઉપરાંત ગરબા સ્થળે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, સિક્યુરિટી ગાર્ડ અને મહિલા સિક્યુરિટી ગાર્ડની નિમણૂક, મેટલ ડિટેક્ટર સહિતની સુરક્ષા વ્યવસ્થા રાખવાની રહેશે.
સ્થળ પર એન્ટ્રી પોઈન્ટ , એક્ઝીટ પોઈન્ટ અને ઈમરજન્સી એક્ઝીટની યોગ્ય વ્યવસ્થા કરવા પણ આયોજકોને સૂચના આપવામાં આવી છે. સરકારી જમીન પર કાર્યક્રમ યોજવાનો હોય તો સંબંધિત વિભાગની મંજૂરી તથા ભાડું ભર્યાની પહોંચ રજૂ કરવાની રહેશે. ખુલ્લી જગ્યામાં હંગામી ટેન્ટ કે સ્ટેજ ઊભું કરવામાં આવે તો સ્ટ્રક્ચરની યોગ્યતા અંગે પીડબલ્યુડીનું એનઓસી મેળવવાનું રહેશે. ગરબા સ્થળે કેફી દ્રવ્યો, કેફી પ્રવાહી કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરેલી વ્યક્તિ પ્રવેશ ન કરે તે અંગે ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે. નવરાત્રી દરમિયાન લોકોની સુરક્ષા, મહિલા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા જરૂૂરી બંદોબસ્ત અને દેખરેખ રાખવામાં આવશે.
જિલ્લામાં 18 અર્વાચિન અને 800થી વધુ પ્રાચીન ગરબા
રાજકોટ જીલ્લામાં અલગ અલગ વિસ્તારમાં કુલ 18 અર્વાચીન અને 800 થી વધુ પ્રાચીન ગરબા યોજાનાર હોય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઇ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા તમામ ગરબા આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જીલ્લાના મેટોડા જીઆઈડીસી, લોધિકા, ગોંડલ, જેતપુર, ધોરાજી તેમજ ઉપલેટા સહિતના ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારોમાં યોજાનારા ખાનગી દાંડિયા રાસ અને કોમર્શિયલ ગરબાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે કડક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સુચના આપી હતી. ગરબા આયોજન સ્થળના મુખ્ય મેદાન, પ્રવેશદ્વાર અને ખાસ કરીને આયોજન સ્થળથી લઈને છેક વાહન પાર્કિંગ સુધીના તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત રહેશે, તેમજ પાર્કિંગ અને અવાવરુ સ્થળોએ પૂરતી લાઈટો રાખવા, ભીડને નિયંત્રિત કરવા માટે આયોજકોએ પોતાના ખર્ચે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવા પડશે. મહિલાઓની સુરક્ષા માટે અલગ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ બેઠકમાં તમામ આયોજકોને પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી.
