સાતમ-આઠમના પવિત્ર તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગ્રાહકોને વ્યાજબી ભાવે શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્યચીજો મળી રહે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણના નામે થતી અતિશય ભાવવધારો અને નફાખોરી રોકવા માટે જિલ્લા પુરવઠા અધિકારીએ કડક વલણ અપનાવ્યું છે.રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લાના તમામ તાલુકાના મામલતદારોને પરિપત્ર મોકલી તહેવારો દરમિયાન પ્રજાને હાલાકી ન પડે અને વેપારીઓ મનસ્વી રીતે ભાવ ન વસૂલે તેવો આદેશ આપ્યો છે.
પુરવઠા અધિકારીએ રાજકોટ શહેર અને તમામ તાલુકાના મામલતદારોને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે પોતપોતાના વિસ્તારના નાના-મોટા તમામ મીઠાઈ અને ફરસાણના વેપારીઓ તેમજ એસોસિએશનના હોદ્દેદારો સાથે તાત્કાલિક સમીક્ષા બેઠક યોજવી.તમામ વેપારીઓએ પોતાની દુકાન કે સ્ટોલ પર ગ્રાહકોને સ્પષ્ટ દેખાય તે રીતે તમામ વસ્તુઓનું અદ્યતન ’ભાવપત્રક’ (રેટ લિસ્ટ) પ્રદર્શિત કરવાનું રહેશે. ભાવબાંધણાની સાથે સાથે ગુણવત્તા જાળવવા માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે.
તહેવારોમાં મિલાવટખોરી રોકવા માટે મામલતદાર કચેરી અને ફૂડ વિભાગ દ્વારા વિવિધ ડેરીઓ, મીઠાઈ-ફરસાણના ઉત્પાદકો અને વેપારીઓને ત્યાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવશે. અશુદ્ધ કે ભેળસેળયુક્ત ખોરાક વેચનારાઓ સામે દંડનીય અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.તંત્રના આ નિર્ણયથી સાતમ-આઠમના તહેવારોમાં રાજકોટ શહેર અને જિલ્લાની જનતાને વાજબી ભાવે અને ગુણવત્તાયુક્ત મીઠાઈ-ફરસાણ મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
