ગુજરાત મિરર રાજકોટ: સૌરાષ્ટ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગુનાખોરી પર અસરકારક અંકુશ મેળવવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના અધ્યક્ષસ્થાને ચાર જીલ્લાના પોલીસ વડા સાથે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં રાજકોટ રેન્જ હેઠળ આવતા ચારેય જિલ્લાના પોલીસ વડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમગ્ર રેન્જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિતિ, ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ અને પોલીસ કામગીરીનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
તેમજ ગેંગ બનાવી ગુના આચરનાર તત્વો સામે કડક કાયવાહી કરવા તેમજ સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ગુનાખોરી પર અંકુશ મેળવવા અને તપાસમાં પારદર્શિતા લાવવા અપાયા જીલ્લા પોલીસ વડાઓ સાથે યોજાયેલી બેઠકમાં કડક નિર્દેશો આપવામાં આવ્યા હતા.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે યોજાયેલી આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, જામનગર જીલ્લા પોલીસ વડા રવી મોહન સૈની, દેવભૂમિ દ્વારકા પોલીસ વડા જયરાજસિંહ વાળા ઉપરાંત ધોરાજી,ગોંડલ અને જેતપુર વિભાગના પ્રોબેશન આઈપીએસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના દ્વારા ચારેય જિલ્લાવાર નોંધાયેલા ગંભીર ગુનાઓ, જેવા કે શરીર સંબંધી અને મિલકત સંબંધી આચરવામાં આવેલા બનાવોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત લાંબા સમયથી અણઉકેલાયેલા ગુનાઓ અને તેની તપાસની પ્રગતિ અંગે સંબંધિત જિલ્લા પોલીસ વડાઓ પાસેથી વિગતો મેળવવામાં આવી હતી. ગુનાઓના વહેલી તકે ઉકેલવા અને આરોપીઓની ઝડપી ધરપકડ માટે ખાસ રણનીતિ ઘડી કાઢવા માટે આઈજી નિર્લિપ્ત રાય દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ખાસ કરીને નાસતા-ફરતા આરોપીઓ અને ગેંગ બનાવી ગુના આચરનાર અસામાજિક તત્વો સામે પાસા તથા તડીપાર જેવી કડક કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.તેમજ માદક પદાર્થોની હેરાફેરી કરતા પેડલરો અને સપ્લાયરોનું નેટવર્ક તોડી પાડવા ખાસ સુચના આપવામાં આવી હતી.
ઉપરાંત સાતમ-આઠમના તહેવારમાં જુગારની પ્રવુતિ ઉપર અંકુશ લગાવવા સુચના આપવામાં આવી હતી. પોલીસ કામગીરી માત્ર ગુનો દાખલ કરવા પૂરતી સીમિત ન રહેતા, ગુનાની તપાસની ગુણવત્તા ઉત્કૃષ્ટ રહે તે અત્યંત જરૂૂરી છે. આ બાબતને ધ્યાને રાખીને આઈજી નિર્લિપ્ત રાયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેસની યોગ્ય અને ટેકનિકલ આધાર-પુરાવા સાથેની તપાસથી જ અદાલતમાં આરોપીઓને કડકમાં કડક સજા અપાવી શકાય છે. આ માટે તપાસ અધિકારીઓને સાયન્ટિફિક અને ફોરેન્સિક એવિડન્સનો મહત્તમ ઉપયોગ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુનાખોરી મુક્ત વાતાવરણ નિર્માણ કરવા માટે પ્રોએક્ટિવ અને પરિણામલક્ષી પોલીસિંગ અભિગમ અપનાવવા આદેશ કરવામાં આવ્યા હતા.
જનકેન્દ્રિત પોલીસિંગ ખાખીમાં માનવતાનો સ્પર્શ: ગુનાખોરો સામે કડક, નાગરિકો માટે સરળ અભિગમ
ચાર જીલ્લાના પોલીસ વડા સાથે યોજાયેલ ક્રાઈમ કોન્ફરન્સમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ પ્રજાની મિત્ર છે તે ભાવના સાર્થક કરવા માટે “જનકેન્દ્રિત પોલીસિંગ” પર વિશિષ્ટ ભાર મૂકવામાં આવ્યો હતો. જનકેન્દ્રિત પોલીસિંગ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો એક એવો આધુનિક અભિગમ છે, જેમાં પોલીસ તંત્રનો મુખ્ય ધ્યેય માત્ર ગુનાઓ રોકવાનો જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોની સુવિધા, સુરક્ષા અને તેમનામાં વિશ્વાસ ઊભો કરવાનો છે. સામાન્ય નાગરિકો જ્યારે પોતાની રજૂઆત કે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને આવે ત્યારે તેમની સાથે સન્માનજનક વ્યવહાર કરવામાં આવે અને તેમની સમસ્યાઓનું ઝડપી નિવારણ થાય આ ઉપરાંત મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ પ્રત્યે જાગરૂૂકતા અને નશાકારક પદાર્થોના દૂષણને નાથવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવા માટેનું રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ક્રાઇમ કોન્ફરન્સથી રાજકોટ રેન્જ હેઠળના પોલીસ તંત્રમાં નવો સંચાર થયો છે અને આવનારા દિવસોમાં ગુનાહિત તત્વો સામે વધુ કડક કાર્યવાહી જોવા મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.
