જાહેર સ્થળોએ પાનની પીચકારી મારતા લોકો સામે કડક પગલા

ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગરથી ’નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી ભવ્ય શરૂૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ…

ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગરથી ’નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી ભવ્ય શરૂૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સ્થળો અને હોસ્પિટલોમાં ગંદકી કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની ચીમકી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “રસ્તાઓ કે જાહેર સ્થળો પર ગમે ત્યાં પાન-મસાલાની પિચકારી મારનારા લોકો સુધરી જાય, નહીંતર આવા લોકો સામે હવે કડક કાર્યવાહી થશે જ!

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર સરકારી અભિયાન નથી, પરંતુ તેને આપણે આપણો રોજિંદો સ્વભાવ અને સંસ્કાર બનાવવા પડશે.હોસ્પિટલ અને સાર્વજનિક સ્થળોએ પાન-માવા ખાઈ પિચકારી મારનારાઓને મુખ્યમંત્રીએ ચીમકી આપી હતી. જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારા વિરૂૂદ્ધ કાર્યવાહી કરવા ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી. ખાસ કરીને સિવિલ હોસ્પિટલ અને અન્ય સાર્વજનિક સ્થળોને ગંદા કરનારા તત્વો પર વહીવટી તંત્ર બાજ નજર રાખશે. આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ નિવેદન આપ્યું હતું. ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પણ વ્યાપક શુદ્ધિકરણ ચાલુ છે. જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ અને નકલી દવાઓ બનાવી લોકોના જીવ જોખમમાં મૂકતા માફિયાઓ સામે કડક કાર્યવાહી યથાવત છે.