Site icon Gujarat Mirror

લીંબડીમાં રખડતા ઢોરનો ત્રાસ: બે વર્ષની બાળકી અને વૃધ્ધાનો ભોગ લીધો

પરનાળા ગામે ઘર પાસે રમતી બાળકીને ગાયે ઢીકે ચડાવી, સિવિલ હોસ્પિટલ પાસે વૃધ્ધાને આખલાએ ઉલાળ્યા: બંન્નેના મોત

લીંબડીમાં રખડતા ઢોરો ત્રાસ સામે આવ્યો છે. જેમાં પરનાળા ગામમાં અઢી વર્ષની બાળકીને ગાયે ઉલાળતા તેમનુ મોત નીપજ્યુ છે. તેમજ બીજી ઘટનામાં સિવિલ હોસ્પિટલમાં એક વૃધ્ધને રખડતા ઢોરે અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

પ્રથમ ઘટનામાં લીંબડી તાલુકાના પરનાળા ગામમાં ગાયના હુમલામાં અઢી વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. ગામમાં પોતાના ઘરના આંગણામાં રમી રહેલી નાયરા ચેતનભાઈ ધરેજીયા નામની બાળકી પર સવારે 11:30 વાગ્યે અચાનક ગાયે હુમલો કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, નાયરા તેની બહેન હિરલ સાથે આંગણામાં રમી રહી હતી. તે સમયે છૂટી ગયેલી એક ગાયે તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નાયરાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

ઘટના બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના અંગે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકો-લીગલ કેસ (ખકઈ) નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

બીજી ઘટના લીંબડી સિવિલ હોસ્પિટલ સામેના વિસ્તારમાં બની હતી, જ્યાં કાજી બાનુબેન ઇસ્માઇલભાઈ બપોરે 3.30 વાગ્યે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે આખલાની અડફેટે આવી ગયા હતા. આ હુમલામાં બાનુબેનને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. જોકે, સુરેન્દ્રનગર પહોંચે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું. આ ઘટનાએ લીંબડી શહેરમાં રખડતા ઢોરના ત્રાસના પ્રશ્નને ફરી એકવાર ગંભીર બનાવ્યો છે. સ્થાનિક નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

Exit mobile version