Site icon Gujarat Mirror

મહેસાણામાં ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા ઉપર ભેદી પથ્થરમારો

મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 19 એપ્રિલની રાત્રે મગુના જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાર કાફલા પર મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાજપના એક કાર્યકરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કાફલાની બે કારના કાચ તૂટ્યા છે. સાંથલ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ અને હોસ્પિટલમાં દાખલ ઘાયલ કાર્યકર પંકજ પટેલના જણાવ્યા અનુસાર તેઓ ચૂંટણીની પ્રચાર સભા પૂર્ણ કરી રામનગરથી મગુના તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોડ પર આવેલી ડેરીની સામે અંધારાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ તેમની ટાટા પંચ પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. ડ્રાઈવર સાઈડનો કાચ તોડી પથ્થર સીધો તેની જમણી આંખ ઉપર વાગ્યો હતો. જેના કારણે તેઓ લોહીલુહાણ બન્યા હતા. તેમની પાછળ આવતી અન્ય એક અર્ટીગા કાર પર પણ પથ્થર પડતા ઘોબો પડ્યો હતો. હાલ પંકજભાઈ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમને ત્રણ ટાંકા લેવા પડ્યા છે. પંકજભાઈએ આ હુમલા પાછળ કોંગ્રેસના કાર્યકરોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

આ સમગ્ર મામલે મગુના સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપની જીત નિશ્ચિત જણાતા કોંગ્રેસના લોકોએ હતાશામાં આવીને આ હુમલો કર્યો હોઈ શકે છે. જોકે અગાઉ તેમની પોતાની ટિકિટ ફાળવણી સમયે થયેલા વિરોધ અંગે પૂછતા તેમણે બચાવ કરતા કહ્યું હતું કે પક્ષના કાર્યકર્તાઓએ ટિકિટ માંગી હતી પરંતુ હવે કોઈ આંતરિક વિરોધ નથી.

મહેસાણાના મગુના પંથકમાં બનેલી આ ઘટનાએ શાંત ચૂંટણી માહોલમાં અચાનક ગરમાવો લાવી દીધો છે. એક તરફ ભલે ઉમેદવાર અને કાર્યકર આક્ષેપ કોંગ્રેસ પર કરી રહ્યા હોય પરંતુ ટિકિટ ફાળવણી વખતના આંતરિક વિરોધ અને ભાજપના ઉકળતા ચરુની વાતોએ પણ સ્થાનિક કક્ષાએ જોર પકડ્યું છે. હાલમાં સાંથલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 125(એ), 118(1), 324(2) મુજબ ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે કે આ હુમલા પાછળ ખરેખર કોનો હાથ છે.

Exit mobile version