ગુજરાત

1100 કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે સ્ટે. ચેરમેન-નેહલ વચ્ચે સટાસટી

Published

on

ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટની દરખાસ્ત નેહલ શુકલની ગેરહાજરીમાં સંકલનની બેઠકમાં મંજૂર કરી નાખતા બબાલ

આંકડા સાથે વાંધા ઉઠાવી નેહલે સવાલો ઊભા કર્યા પણ પરિણામ શૂન્ય

કોર્પોરેશનના મોટાભાગના કામોના ટેન્ડર ભરવામાં આવે છે. જે અધિકારીઓ દ્વારા મંજુર કરી સ્ટેન્ડીંગમાં મંજુરી અર્થે મોકલાતા હોય છે. જેનો અધિકારીઓ સાથે પદાધિકારીઓ પણ અભ્યાસ કરી કોર્પોરેશનની તિજોરીને ઓછામાં ઓછુ નુક્શાન થાય અને લોકોને યોજનાનો વધુ લાભ મળે તે મુજબની દરખાસ્તો મંજુર કરતા હોય છે. પરંતુ અમુક અધિકારીઓ દ્વારા પણ માનીતાઓને અથવા વધુ ભાવથી ટેન્ડર મંજુર કરી સ્ટેન્ડીંગમાં મોકલાતા હોય છે. તેવી જ રીતે સ્ટેન્ડીંગની સભ્યો દ્વારા પણ અણઆવડતના કારણે અથવા જાણી જોઈને આ પ્રકારનીદરખાસ્તો મંજુર કરી કોન્ટ્રાક્ટરોને લાભ અપાતો હોવાનું અગાઉ અનેક વખત બહાર આવ્યું છે. જેમાં હાલના સ્ટેન્ડીંગ સભ્ય નેહલ શુકલ દ્વારા વખતો વખત આ મુદ્દે વિરોધ થાય છે. તેવું આજે પણ બન્યો હતું. 1100 કરોડના ગારબેજ કલેક્શનના કોન્ટ્રાક્ટની દરખાસ્ત નેહલ શુકલની ગેરહાજરીમાં સંકલન કરી મંજુર કરી નાખતા બાદમાં આવેલા નેહલ શુકલે હિસાબનો કાગળ રજૂ કરી વાંધો ઉઠાવી સ્ટેન્ડીંગ ચેરમેન સાથે માથાકુટ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.


મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આજે સૌથી વધુ ચર્ચાસ્પદ દરખાસ્ત રૂા. 1100 કરોડના ગારબેજ કલેક્શનના કોન્ટ્રાક્ટની હતી. એક રીતે રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે કોર્પોરેટ પદ્ધતિથી ઘરે ઘરેથી કચરો એકઠો કરવાનું કામ બે એજન્સીને આપવાની દરખાસ્ત આજે મંજુર કરવામાં આવી હતી. પરંતુ 10 વર્ષનો કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો છે. જે રકમ 1100 કરોડને પાર થઈ જાય છે. તેવી જ રીતે દર વર્ષે પાંચ ટકાનો વધારો પણ દરખાસ્તમાં સુચવવામાં આવ્યો છે. આ રીતે 10 વર્ષે ગારબેજ કલેક્શન કોન્ટ્રાક્ટની રકમ 1500 કરોડે પહોંચી જતી હોવા છતાં શહેરની સ્વચ્છતા માટે કમિટિ મેમ્બરોએ સંકલન કરી દરખાસ્ત મંજુર કરી નાખી હતી. આજની સ્ટેન્ડીંગમાં સ્ટેન્ડીંગ સભ્ય નેહલ શુકલ ગેરહાજર હતાં. છતાં આ દરખાસ્ત મંજુર કરવામાં આવેલ સ્ટેન્ડીં પૂર્ણ થતાં કચેરી ખાતે આવેલા નેહલ શુકલે આ દરખાસ્ત મુદ્દે વાંધો ઉઠાવી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર ઉપર પ્રશ્ર્નોતરીનો મારો ચલાવેલ. અને ટીપરવાનના ખર્ચનો હિસાબ ચેરમેનને બતાવતા પ્રમુખે જણાવેલ કે, અમારે સંકલન થઈ ગયું છે.

હવે આ વાતનો કોઈ મતલબ નથી. આથી નેહલભાઈએ સામો જવાબ આપેલ કે, આ સ્ટેન્ડીંગ સંકલન છે સવાલ તો પુછવાના હોય અને એવુ બહુ લાગતુ હોય તો સંકલન જ બંધ કરી દો, તો તેની સામે પ્રમુખે જણાવેલ કે, તમે યુનિવર્સિટીમાં આવી જ રીતે ચલાવો છો. ત્યારે જવાબમાં નેહલભાઈએ જણાવેલ કે, અમે ચાર-પાંચ કલાક બેસી બેઠકમાં સંકલન કરીએ છીએ. તમારી જેમ પાંચ મીનીટમાં સંકલ પૂરુ કરતા નથી. બધા શહેરોમાં આ કામ મંજુર થયું છે. તો આપડે પણ કરાય પણ ભાવતાલ જોવા જોઈએ. તેમજ મુંબઈ અને વડોદરાની એજન્સી છે તેને પેટાકામ આપી દઈ માત્ર કમિશન જ લઈ લેવાનું આ ખર્ચ ચાર ગણો થઈ રહ્યો છે. જે વ્યાજબી નથી આથી આ મુદ્દે ફરી વખત ચર્ચા થવી જોઈએ તેમ ચેરમેન અને નેહલ શુકલ વચ્ચે ભારે સટાસટી બોલી હોવાનું જાણવા મળ્યું છે.

સ્ટેન્ડિંગમાં દરખાસ્તોનો વિરોધ એક જ વ્યક્તિ દ્વારા કેમ?
મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રજૂ કરવામાં આવેલી દરખાસ્ત મંજુર કરવા માટે સ્ટેન્ડીંગના સભ્યોની સંકલન બેઠક યોજાતી હોય છે. જેમાં મોટે ભાગે દર વખતે સ્ટેન્ડીંગની બેઠકમાં અમુક શંકાસ્પદ દરખાસ્તનો સભ્ય નેહલ શુકલ દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે. અગાઉ પણ અનેક વખત નેહલ શુકલે અમુક શંકાસ્પદ દરખાસ્તો મુદ્દે સવાલો ઉઠાવ્યા હતાં. ત્યારે બાકીના સ્ટેન્ડીંગ સભ્યોને આ પ્રકારની શંકાસ્પદ દરખાસ્તો મંજુર કરતી વખતે ધ્યાનમાં કેમ નથી આવતી તેવી ચર્ચાએ પણ આજે જોર પકડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version