એસ.ટી. બસ સ્ટેન્ડે સારવાર માટે આવેલા દંપતીની નજર ચૂકવી 35,000 રોકડાની ચોરી

શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના સમયે વિશ્રામ કરી રહેલા એક ગરીબ શ્રમિક દંપતીની નજર ચૂકવીને અજાણ્યો ચોર ઇસમ રૂૂ. 35,000ની રોકડ રકમ ભરેલો થેલો…

શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના સમયે વિશ્રામ કરી રહેલા એક ગરીબ શ્રમિક દંપતીની નજર ચૂકવીને અજાણ્યો ચોર ઇસમ રૂૂ. 35,000ની રોકડ રકમ ભરેલો થેલો ચોરીને ફરાર થઇ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પડધરી તાલુકાના ધરમપુર હડમતીયા ગામના રહેવાસી અને છૂટક મજૂરી કામ કરતા 47 વર્ષીય પ્રવિણભાઈ તરશીભાઈ અણદાણીએ રાજકોટ શહેર ’એ’ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ, ચોરીનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

બનાવની વિગતો અનુસાર, ફરિયાદી પ્રવિણભાઈ અણદાણીના પત્ની ભાનુબેનને કમર તથા વાંસાના ભાગે ગંભીર તકલીફ હોવાથી તેઓને સારવાર માટે રાજકોટની દોશી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દરરોજ બતાવવાનું હોવાથી અને આર્થિક સ્થિતિ નબળી હોવાથી દંપતી રાત્રિના સમયે રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડમાં બાંકડા પર સુઈ જતું હતું.

ગત તારીખ 3 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે હોસ્પિટલેથી સારવાર લઈને આ દંપતી બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ નંબર 9 ઉપર આવેલ બાંકડા પર બેઠું હતું. તેમની પાસે 35,000 રૂૂપિયાની રોકડ રકમ ધરાવતો એક ચેનવાળો થેલો હતો.

દરમિયાન રાત્રિના આશરે બે વાગ્યાના અરસામાં દંપતીને નીંદર આવી ગઈ હતી. માત્ર 15 જ મિનિટ બાદ એટલે કે બે થી સવા બે વાગ્યાની વચ્ચે અચાનક ઊંઘ ઊડતાં તેઓની પાસે રાખેલો રોકડ રકમ ભરેલો થેલો ગાયબ હતો. આજુબાજુમાં તપાસ કરવા છતાં થેલો મળી આવ્યો ન હતો. આથી કોઈ અજાણ્યો ચોર ઇસમ દંપતી ઊંઘી ગયું હોવાનો લાભ ઉઠાવી નજર ચૂકવીને રૂૂ. 35,000 ની મત્તા ચોરી કરી નાસી છૂટ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે રાજકોટ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી પી.એસ.આઈ. ધર્મેશભાઈ યોગેશભાઈ મહંતે વધુ તપાસ હાથ ધરી છે.