ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ ધીરેધીરે જમાવટ કરી રહ્યો હોય તેમ આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજયના 173 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી 16 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજયમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 16 ઇંચ વરસાદ ખાબકતા પુર જેવી સ્થિતિ સર્જાયેલ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. હજુ પણ ભારે વરસાદની આગાહીના કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના નાનાપોંઢા અને અંભેટી વચ્ચે નદીના પુરમાં ખાનગી બસ ફસાઇ જતા મુસાફરોને માંડ બચાવાયા હતા.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી છે, જેમાં સૌથી વધુ અસર વલસાડ જિલ્લામાં જોવા મળી છે. વલસાડના કપરાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 397 મિમી (15.63 ઈંચ) અતિભારે વરસાદ ખાબક્યો છે. આજે સવારે છથી આઠ વાગ્યા સુધીમાં વધુ 83 મિમિ વરસાદ પડતા 26 કલાકમાં 16 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે.
આ ઉપરાંત નાનાપોંઢામાં 280 મિમી (11.02 ઈંચ), પારડીમાં 238 મિમી (9.37 ઈંચ), વલસાડ તાલુકામાં 211 મિમી (8.31 ઈંચ) અને વાપીમાં 185 મિમી (7.28 ઈંચ) વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ થયો છે, જેમાં ચીખલીમાં 244 મિમી (9.61 ઈંચ), વાંસદામાં 235 મિમી (9.25 ઈંચ) અને ખેરગામમાં 201 મિમી (7.91 ઈંચ) વરસાદ ખાબક્યો છે.
ડાંગ જિલ્લાના વાઘઈ તાલુકામાં 183 મિમી (7.20 ઈંચ) અને ડાંગ-આહવા વિસ્તારમાં 128 મિમી (5.04 ઈંચ) વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના બારડોલીમાં 137 મિમી (5.39 ઈંચ), પલસાણામાં 119 મિમી (4.69 ઈંચ) અને સુરત શહેરમાં 108 મિમી (4.25 ઈંચ) વરસાદ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. તાપી જિલ્લાના ડોલવણમાં 99 મિમી (3.90 ઈંચ) અને ઉચ્છલ-સોનગઢ પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
ભરૂૂચના હંસોટ અને વાલિયા, વડોદરા શહેર તથા આણંદ જિલ્લાના ખંભાળિયા અને પેટલાદ વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 1 થી 20 મિમી સુધીના હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
આજે સવારે છ થી આઠ વાગ્યા સુધીના બે કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી છે, જેમાં વલસાડ તાલુકામાં સૌથી વધુ 52 મિમી (2.05 ઈંચ) વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લાના વ્યારામાં 49 મિમી (1.93 ઈંચ) અને વાલોડમાં 45 મિમી (1.77 ઈંચ) વરસાદ પડ્યો છે. આ ઉપરાંત નવસારીના ચીખલીમાં 40 મિમી, ગણદેવીમાં 37 મિમી અને મોરબીમાં 32 મિમી વરસાદ નોંધાયો છે. સુરત, ડાંગ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલી માટે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂૂચ, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
