ગુજરાત

ગરબામાં સાઉન્ડ-CCTV ભાડે આપનારે પણ બાંહેધરી આપવી પડશે

Published

on

નવરાત્રી પહેલાં આયોજકોના ‘ગરબા’ ચાલુ વિવિધ મંજૂરીઓમાં છૂટશે પરસેવો

નવરાત્રીનો પવિત્ર તહેવાર હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે નવરાત્રી શરૂ થતાં પૂર્વે અર્વાચિન ગરબાના આયોજકો માટે આ વખતે પોલીસે કડક નિયમો બનાવ્યા છે અને તેનો કડક પણે અમલ કરાવવા પણ સુચના આપી છે. રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમઝોનની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા આ સામુહિક કાર્યક્રમને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી ત્યારે સરકારે નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો માટે કડક નિયમ બનાવ્યા છે જેમાં નવરાત્રી પહેલા આયોજકોએ ગરબા ચાલુ કરવા પૂર્વે વિવિધ મંજુરીઓ લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ નવા આકરા નિયમોના કારણે ગરબા આયોજકોને મંજુરી લેવામાં પરસેવો છુટી જાય તેવા નિયમો બનાવાયા છે. ગરબા આયોજકોને ગ્રાઉન્ડમાં લગાવેલા સીસીટીવી તેમજ સાઉન્ડ અને ભાડે આપનાર ગ્રાઉન્ડ માલીકે પણ પોલીસને ગરબા આયોજકો વતી ફરજિયાત વિવિધ બાંહેધરીઓ આપવી પડશે. તેમજ કોઈપણ ભોગે રાતના 12ના ટકોરે ગરબા બંધ કરી દેવા પડશે અને જો 12 વાગ્યા પછી ગરબા આયોજકો ગરબા ચાલુ રાખશે તો તેના માટે આયોજક સાથે સાઉન્ડ ભાડે આપનારની જવાબદારી બનશે અને તેની સામે પોલીસ ગુનો નોંધશે.


3 જી ઓકટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે તે પહેલા પોલીસે આ વખતે નવરાત્રીને લઈને કેટલાક નિયમો જાહેર કર્યા છે. રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમઝોનન ઘટના બાદ સરકાર કોઈપણ જોખમ લેવા માંગતી ન હોય જેના કારણે સરકારે અર્વાચીન રાસોત્સવના આયોજકો માટે નવી એસઓપી જાહેર કરી છે અને સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રી દરમિયાન ગરબા આયોજકોએ આ તમામ નિયમોનું કડક પણે પાલન કરવાનું રહેશે. ગરબા રમવા આવતાં ખેલૈયાઓ અને જોવા આવતાં દર્શકો માટે વિમા પોલિસીથી લઈ ગરબાના ગ્રાઉન્ડ ખાતે સીસીટીવી ફરજિયાત બનાવવા ઉપરાંત સિકયોરિટી સ્ટાફ, સીસીટીવી, કેમેરા અને ફાયર એનઓસી તેમજ ગ્રાઉન્ડ ભાડે આપનારની પણ કેટલીક જવાબદારીઓ ફીકસ કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર નવરાત્રીમાં અર્વાચિન રાસોત્સવના આયોજકો માટે ગરબા ગ્રાઉન્ડ ખાતે એમ્બ્યુલન્સ અને ડોકટર હાજર રાખવા પડશે તેમજ કેન્ટીનના કોન્ટ્રાકટમાં કોઈપણ લાગવગ કે ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં અને ફુડ લાયસન્સની મંજુરી ફરજિયાત લેવી પડશે.


પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા અને ડીસીપી ટ્રાફીક પુજા યાદવના નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ અને લાયસન્સ શાખાના અધિકારીઓ દ્વારા ગરબા આયોજકોને મંજુરી આપતાં પૂર્વે તમામ દસ્તાવેજોની ચકાસણી બાદ જ લાયસન્સ મળશે. નવા નિયમો મુજબ અર્વાચિન રાસોત્સવનું આયોજન કરનાર આયોજકોએ ગરબામાં સાઉન્ડ માટે જે તે સાઉન્ડ ભાડે આપનાર તેમજ સીસીટીવી ભાડે આપનાર અને ગ્રાઉન્ડ ભાડે આપનારની બાંહેધરી પોલીસને આપવી પડશે. તેમજ પબ્લિક લાયેબીલીટી ઈન્સ્યોરન્સ પોલિસી લેવી ફરજિયાત છે અને તેનો નંબર પણ ફોન સાથે આપવો પડશે. લાયસન્સ શાખા દ્વારા આયોજન અંગેના ફોર્મમાં 10 મુદ્દાઓ ઉપરાંત અરજી સંદર્ભે ફોર્મ સાથે પુરા પાડવાના ડોકયુમેન્ટની માહિતી તેમજ બાંહેધરી પત્રકનો નમુનો આપવામાં આવ્યો છે.


અર્વાચીન રાસોત્સવના આયોજકોએ પોતાનું નામ અને એકથી વધુ આયોજકો હોય તો નામ, સરનામુ અને કાર્યક્રમ સ્થળ મેદાન ભાડે રાખ્યું હોય કે સરકારી જગ્યા ભાડે રાખી હોય તો એલોટમેન્ટ લેટર અથવા ભાડા કરાર તથા પ્રવેશ ટીકીટ રાખવામાં આવી હોય તો ટીકીટ અને પાસના ભાવ તેમજ સિકયોરિટી એજન્સીની તમામ વિગતો તેમજ સીસીટીવી કેમેરા લગાવનાર એજન્સીનું નામ અને વિગત તથા જનરેટર આપનાર એજન્સીનું નામ અને તેના માલિકનું સરનામું, સાઉન્ડ સીસ્ટમ પુરી પાડનાર પેઢીનું નામ, સરનામું અને માલિકનો મોબાઈલ નંબર ફરજિયાત આપવાનો રહેશે. જમીન ભાડે રાખનાર માલિકના આધાર પુરાવા અને જનરેટર ભાડે આપનારનું પણ સહમતિ પત્રક ફરજિયાત પોલીસને આપવાનું રહેશે.

આયોજકોએ પોલીસ સ્ટેશને આટલા પ્રમાણપત્રો આપવા પડશે

ફાયર એનઓસીની નકલ, વિદ્યુત નિરીક્ષકનું ઈલેકટ્રીક ફીટીંગ અંગેનું પ્રમાણપત્ર, એમ્બ્યુલન્સ ફાળવવા બાબતનો સંબંધીત એજન્સી, સંસ્થાનો સંમતિપત્ર, ઈમરજન્સી ડોકટર અંગેનું સંમતિપત્ર, સ્ટ્રકચ-રલ સ્ટેબીલીટી અંગેનું પ્રમાણપત્ર, ખાણીપીણીના સ્ટોલ રાખનાર હોય તો ફુડ ઈન્સ્પેકટરનું પ્રમાણપત્ર

પબ્લિક લાયબિલિટી ઈન્સ્યોરન્સ માટે 40થી 50 હજારનો ખર્ચ

અર્વાચીન રાસોત્સવના આયોજકો માટે આ વખતે પોલીસે 7 નહીં પણ 11 કોઠા વિંધવા પડે તેવા નિયમો બનાવ્યા છે. જેમાં ગરબામાં આવતાં ખેલૈયાઓ અને દર્શકો માટે પબ્લીક લાયેબીલીટી ઈન્સયોરન્સ પોલિસી ફરજિયાત બનાવવામાં આવી છે અને તેનો નંબર પણ પોલીસને આપવો પડશે જેના માટે આશરે 40 થી 50 હજાર જેટલા ખર્ચ આયોજકોને કરવો પડશે. ગેમઝોનની ઘટના બાદ સરકાર કોઈપણ જાતનું જોખમ લેવા માંગતી ન હોય જેથી આ વર્ષે પ્રથમ વખત પબ્લીક લાયેબીલીટી ઈન્સયોરન્સનો મુદ્દો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version