માવતરના ઠપકાની ક્યારેક આવી પણ અસર થાય! 8 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો, 14 વર્ષે મળ્યો

જામનગરથી ઘર છોડી રાજકોટમાં આશ્રય લીધો હતો: શરૂઆતમાં ફૂટપાથ, કોમ્પ્લેક્સના સેલરમાં રાતવાસો કરતો, ચાની હોટલ, કારખાનાઓમાં કામ કર્યુ, હાલ 22 વર્ષનો યુવાન બનેલો પ્રદીપ અમદાવાદમાં…

જામનગરથી ઘર છોડી રાજકોટમાં આશ્રય લીધો હતો: શરૂઆતમાં ફૂટપાથ, કોમ્પ્લેક્સના સેલરમાં રાતવાસો કરતો, ચાની હોટલ, કારખાનાઓમાં કામ કર્યુ, હાલ 22 વર્ષનો યુવાન બનેલો પ્રદીપ અમદાવાદમાં એક કુરિયર કંપનીમાં કામ કરતો મળી આવ્યો

14 વર્ષના ‘લાપતાવાશ’માં થયેલા અનુભવ સહિતની રસપ્રદ હિસ્ટ્રી પોલીસે જાણી, હાલ ઉપલેટા પંથકમાં ખેતમજૂરી કરતા માતા-પિતા સાથે બાળકનું કરાવ્યું મિલન

કુમળી વયના બાળક પર માતા-પિતા ઠપકાની ક્યારેક કેવી વિપરિત અસર થતી હોય છે તેનો વધુ એક દાખલો સામે આવ્યો છે. જામનગરમાં આજથી 14 વર્ષ પહેલા આઠ વર્ષની ઉંમેર એક બાળક માતા-પિતાએ આપેલા ઠપકાથી નારાજ થઇ ખિસ્સામાં એક ફદિયુ પણ ન હોવા છતા બસમાં બેસી ગૃહત્યાગ કરીને નીકળી ગયો હતો. આજે 22 વર્ષનો થયેલો આ યુવાન અમદાવાદથી મળી આવ્યો છે. જામનગર પોલીસના ફર્લો સ્કવોર્ડને આજે આટલા વર્ષ પછી આ સફળતા મળી છે. આ કિસ્સામાં બાળકવયે ગુમ થયા બાદ યુવાવયે પહોંચેલા આ યુવાનની ઘરેથી નીકળી ગયા બાદની રસપ્રદ હિસ્ટ્રી જાણવા મળી છે.

આ કેસની વિગત જાણે એમ છે કે, 2012ની સાલમાં જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગૂમસુદાની એક ફરિયાદ નોંધાઇ હતી. એ વખતે જામનગર એરપોર્ટ પાસે નિઝામ સર્કલ પાસેના સ્લમ વિસ્તારમાં રહેતા કારાભાઇ વાઘનો પુત્ર પ્રદીપ લાપતા થયો હતો. એ વખતે પ્રદીપની ઉંમર માત્ર 8 વર્ષની જ હતી. પ્રદીપ ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયો હતો. તેની પાછળનું કારણ એ હતુ કે, માતા-પિતએ કોઇ કારણોસર ઠપકો આપ્યો હતો. તેનાથી નારાજ થઇને ગૃહત્યાગ કર્યો હતો.

દરમિયાન જામનગર જિલ્લા પોલીસ વડાએ છેલ્લા લાંબા સમયથી લાપતા બાળકોના કેસ સોલ્વ કરવા માટે એલ.સી.બી.ની પેરોલ-ફર્લો સ્કવોર્ડને આદેશ આપ્યો હતો. એ દરમિયાન પેરોલ-ફર્લો સ્કવોર્ડના ઇન્ચાર્જ પીએસઆઇ એમ.વી. ભાટિયા અને તેમની ટીમના ગજેન્દ્રસિંહ જાડેજા તેમજ લખધીરસિંહને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસીસ દ્વારા એવી સચોટ માહિતી મળી હતી કે, 14 વર્ષથી લાપતા પ્રદીપ હાલ અમદાવાદની એક કુરિયર કંપનીમાં નોકરી કરે છે. અમદાવાદની મોટાભાગની કુરિયર કંપનીઓમાં છાનબીન કરવામા આવી એ દરમિયાન પ્રદીપ એક કુરિયર કંપનીમાં ભેટો થઇ ગયો હતો.

પોલીસ સ્ટાફની સમજાવટ બાદ પ્રદીપને જામનગર લઇ આવવામા આવ્યો અને બાદમાં હાલ ઉપલેટાના માલણકામાં ખેતમજૂરી કરતા તેમના માતા-પિતાને જાણ કરી જામનગર તેડાવ્યા બાદ પુત્રને સોંપવામા આવ્યો હતો. 14 વર્ષ બાદ પુત્રને જોયને માતા-પિતા હર્ષાશ્રુ સાથે ગળે વળગી ગયા હતા.

બાલ્યાવસ્થાએ ગૃહત્યાગ કર્યો ત્યારે ખિસ્સામાં ફદિયુ પણ ન હતુ અને રાજકોટ આવી ગયો
પોલીસની પુછપરછમાં પ્રદીપને જેટલુ યાદ હતુ એ તમામ ભુતકાળની માહિતી આપી હતી. પ્રદીપે કહ્યુ હતુ કે, ઘર છોડ્યુ ત્યારે તેમની પાસે ફદિયુ પણ ન હતુ. જેમ તેમ કરીને માગી ભીખીને પેટ ભર્યુ હતુ. ઘરેથી નીકળીને પહેલા સીધો જ બસ સ્ટેશન ગયો હતો અને ત્યાથી બસમાં બેસી રાજકોટ આવ્યો હતો. રાજકોટમાં રોડ પર, ફૂટપાથ અને કોઇ કોમ્પ્લેક્સના સેલરમાં રાતવાસો કરી લેતો હતો.

રાજકોટમાં ચાની હોટલ, કારખાનામાં મજૂરી કરી વાપીની વાટ પકડી

બાળમજૂરીનું ચેકિંગ આવતા ચાની હોટલ છોડવી પડી, મેટોડા-શાપર ચાલ્યો ગયો

પ્રદીપ રાજકોટ આવ્યા બાદ માત્ર આઠ વર્ષની ઉંમરે ચાની હોટલમાં કામે લાગી ગયો. અનેક ચાની હોટલો બદલાવી. જ્યા પણ કામે જાય ત્યા માતા-પિતા, પરિવારની માહિતી પુછવામા આવતી હતી. એ દરમિયાન ચાની એક હોટલના માલિકને જ્યારે એવુ કીધુ કે મારુ કોઇ નથી, હું અનાથ છું. મારો પરિવાર કોણ છે એ મને ખબર નથી. આ જાણીને ચાની હોટલમાં જ રહેવા-જમવા સહિતનો આસરો આપવામા આવ્યો. પણ બાળમજૂરીનું ચેકીંગ આવતા ત્યાથી મારે નોકરી મુકવી પડી હતી. એ પછી મેટોડા-શાપર જીઆઇડીસીમાં જુદા-જુદા કારખાનાઓમાં કામ કર્યુ અને એ પછી વાપીમાં એક નોકરીએ લાગ્યો હતો. વાપીમાંથી થયેલી ભલામણ બાદ અમદાવાદની એક કુરિયર કંપનીમાં હાલ પાર્સલ ઉતારવા-ચડાવવાનું કામ કરતો હતો.

માત્ર ચાર જ ચોપડી ભણી શક્યો, પછી ભણવાનું નસીબ ન થયુ
ઘરેથી નીકળ્યા બાદ અનેક અસામાજિક તત્વોનો અનુભવ થયો, સદનસીબે જાળમાં ન ફસાયો
પ્રદીપને અફસોસ છે કે આવેશમાં આવીને તેમનુ બાળપણ ગુમાવ્યુ. તેમણે ભારે હ્દયે કહ્યુ હતુ કે, મારે ભણવુ હતુ. પણ ઘરેથી નીકળી ગયો ત્યારે ચોથા ધોરણાં ભણતો હતો અને એ પછી ભણવાનું નસીબ ન થયુ. પ્રદીપની એક ચોંકાવનારી આપવીતી એ જાણવા મળી છે કે, બાળકની આગળ-પાછળ કોઇ ન હોવાનું જાણીને કેટલાક અસામાજિક તત્વોનો પણ કડવો અનુભવ થયો હતો. પણ સદનીસબે દારૂૂની હેરાફેરી સહિતના આવા કોઇ ગુનાની જાળમાં ફસાતા બચી ગયો.