જામનગર જિલ્લામાં નશાકારક પદાર્થોના વેપારને નાથવા માટે ચલાવવામાં આવી રહેલા “નો ડ્રગ્સ ઇન જામનગર” અભિયાન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.)ને વધુ એક મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમે શહેરમાંથી 19 ગ્રામ કોકેન તથા 123 ગ્રામ એમ.ડી.એમ.એ. (મેફેડ્રોન, એમ્ફેટામાઈન, મેથાએમ્ફેટામાઈન) સહિત કુલ 142 ગ્રામ નશાકારક પદાર્થ તેમજ મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક વજનકાંટો સહિત કુલ રૂ. 21,95,500નો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ની સૂચના અનુસાર જિલ્લામાં નશાખોરી અને નશીલા પદાર્થોના વેપાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
તે અંતર્ગત એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ટાઉનહોલ પાસે આવેલી કોટક મહિન્દ્રા બેંકની ગલીમાં નશાકારક પદાર્થના વેચાણ માટે આવવાનો છે.
બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે નરશિરામ કુપારામ લુણા રબારી (હાલ રહે. સજુબા સ્કૂલ પાસે, હનુમાનજી મંદિરવાળી ગલી, જામનગર, મૂળ રહે. અરણાઈ ગામ, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.
તપાસ દરમિયાન તેની પાસેથી 19 ગ્રામ કોકેન (કિંમત રૂ. 9.50 લાખ), 123 ગ્રામ એમ.ડી.એમ.એ. પાવડર (કિંમત રૂ. 12.30 લાખ) તેમજ બે મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક વજનકાંટો મળી કુલ રૂ. 21,95,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ અંગે આરોપી સામે જામનગર સિટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 21(બી), 22(સી) અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગર એસ.ઓ.જી. દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામેની એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં નશાખોરી અને ડ્રગ્સના કારોબાર સામે આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
