રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેતપુરના ભાદર નદીના સામા કાંઠે આવેલા વાસુકી ઉદ્યોગનગરમાં SOGએ દરોડા પાડીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ગેરકાયદેસર સંગ્રહખોરીનો પર્દાફાશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અહીં આવેલા ’ખેતલીયા ટેક્ષટાઇલ’ નામના સાડીના કારખાનામાં મશીનમાં ઉપયોગમાં લેવા માટે આ કોમર્શિયલ ગેસ સિલિન્ડરોનો મોટા પાયે સંગ્રહ કરવામાં આવ્યો હતો.
માનવ જિંદગી જોખમાય તે રીતે અને કોઈપણ જાતની સુરક્ષા વિના અનઅધિકૃત રીતે આ સંગ્રહખોરી ચાલી રહી હતી. SOG ની ટીમે દરોડા દરમિયાન સ્થળ પરથી અલગ-અલગ કંપનીઓના ભરેલા અને ખાલી મળીને કુલ 93 નંગ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કારખાનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ’મહાદેવ ગેસ એજન્સી’ દ્વારા પૂરા પાડવામાં આવતા હતા. આ ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી કરતા પોલીસે કોમર્શિયલ ગેસ સિલિન્ડર પ્રોવાઈડ કરનારી આ મહાદેવ ગેસ એજન્સીને સીઝ (જયશુય) કરી લીધી છે.
હાલમાં પોલીસે મહાદેવ ગેસ એજન્સીના સંચાલક તેમજ ખેતલીયા ટેક્ષટાઇલના સંચાલક વિરુદ્ધ માનવ જિંદગીને જોખમમાં મૂકવા અને ગેરકાયદેસર સંગ્રહખોરી કરવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક ઔદ્યોગિક વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે

