જામનગરની ગ્રેઇન માર્કેટમાં બે પેઢીને નિશાન બનાવતા તસ્કરો

જામનગર શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે તસ્કરોએ બે વેપારી પેઢીઓને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કરતાં વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. બંને બનાવો રાત્રિના આશરે સાડા…

જામનગર શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે તસ્કરોએ બે વેપારી પેઢીઓને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કરતાં વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. બંને બનાવો રાત્રિના આશરે સાડા ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન બન્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ગ્રેઇન માર્કેટમાં આવેલી પી.એચ. એન્ટરપ્રાઇઝ નામની સિંગદાણાના વેપારીની પેઢીનું શટર તસ્કરોએ ઊંચું કરી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અંદર અન્ય દરવાજા સાથેનું વધારાનું લોક હોવાથી તેઓ દરવાજો ખોલવામાં સફળ થયા નહોતા. પરિણામે આ પેઢીમાં કોઈ ચોરી થઈ શકી નહોતી.
ત્યારબાદ નજીકમાં આવેલી મહેતા એન્ટરપ્રાઇઝ, જે તેલના વેપારીની પેઢી છે, ત્યાં તસ્કરોએ શટર ઊંચું કરી અંદર પ્રવેશ મેળવ્યો હતો. જોકે પેઢીમાં રોકડ રકમ ન હોવાથી ટેબલના ખાનામાં રહેલી માત્ર પરચુરણ રકમની જ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આથી વેપારીને કોઈ મોટું આર્થિક નુકસાન થયું નથી.

વહેલી સવારે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં મજૂરો કામ પર આવતા બંને પેઢીઓના શટર ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમણે પેઢીના માલિકોને જાણ કરતાં વેપારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, અને સમગ્ર બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવની જાણ થતાં સીટી ‘બી’ ડિવિઝન પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, અને તપાસ હાથ ધરી હતી. બંને પેઢીઓમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ 3 તસ્કરો રાત્રિના આશરે 4:30 વાગ્યે ચોરીના ઇરાદે બંને પેઢીઓમાં ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે અજાણ્યા 3 તસ્કરોને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરી છે.