કચ્છ

ગાંધીધામના મચ્છુનગરમાં રેલવે કર્મચારીના મકાનને નિશાન બનાવતા તસ્કરો, 6.64 લાખની ચોરી

Published

on

પરિવાર તેમના વતનમાં ગયો હતો, તસ્કરોનો પોલીસને પડકાર

શહેરની ભાગોળે તથા ખારીરોહરની સીમમાં આવેલા મચ્છુનગર વિસ્તારમાં રેલવે કર્મચારી તથા તેમના ભાઇનાં મકાનનાં તાળાં તોડી, દરવાજા તોડી નિશાચરોએ અંદરથી રૂૂા. 6,64,000ના દાગીનાની ચોરી કરી હતી. પૂર્વ કચ્છમાં તસ્કરોએ રીતસરનો તરખાટ મચાવ્યો છે. મચ્છુનગરમાં હનુમાન દેરીની બાજુમાં રહેતા અને રેલવે મથકે ટ્રાફિક ઓપરેટિંગ વિભાગમાં પોઇન્ટમેન તરીકે નોકરી કરતા મૂળ ફતેહપર માળિયાના રૈયાભાઇ વિસા ભરવાડનાં ઘરમાં તસ્કરો ઘૂસ્યા હતા. આ ફરિયાદી અને તેમના અન્ય ભાઇઓ એક જ વરંડામાં જુદાં જુદાં મકાનોમાં રહે છે. તેમનાં વતન ફતેહપરમાં મછુમાનું માંડલું હોવાથી તેમના ભાઇઓ, પરિવારજનો ગઇકાલે બપોરે ત્યાં જવા નીકળ્યા હતા, જ્યારે ફરિયાદી સાંજે નોકરીથી પરત ઘરે આવી બાદમાં ઘરને તાળાં મારી વતન જવા નીકળ્યા હતા.


આ પરિવારજનો વતનમાં હતા, ત્યારે તેમના ભત્રીજા ધીરજે ફોન કરી ઘરનાં તાળાં તૂટેલાં હોવાની વાત કરતાં ફરિયાદી અને પરિવારજનો બપોરે પરત ઘરે આવી ગયા હતા. તેમનાં બંધ મકાનનો દરવાજો નીચેથી તોડી તસ્કરો અંદર ઘૂસી ગયા હતા અને અંદર કબાટની તિજોરી તોડી તેમાંથી સાત તોલાનો સોનાંનો હાર, પાંચ તોલાનો સોનાંનો મઘનો ચેઇન સહિતનો હાર, ત્રણ તોલાની સોનાંની ચેઇન, ત્રણ ગ્રામની સોનાંની વીંટી, છોકરાના ચાંદીના કડલાની ચોરી કરી આગળ વધ્યા હતા. નિશાચરોને આટલાથી સંતોષ ન થયો હોય તેમ ફરિયાદીના મોટા ભાઇ પોલાભાઇનાં બંધ ઘરનાં તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા. અંદર કબાટની તિજોરી તોડી તેમાંથી કાનમાં પહેરવાનો સોનાંનો કુકરવો (ઠોરિયા)ની ચોરી કરી હતી. નિશાચરોએ આ બે ભાઇનાં બંધ મકાનમાંથી રૂૂા. 6,64,000ના દાગીનાની તફડંચી કરી હતી. પૂર્વ કચ્છમાં તસ્કરોએ ઉપરાઉપરી ચોરીના બનાવોને અંજામ આપીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version