ગુજરાત
વૈશાલીનગરમાં એક દિવસ બંધ રહેલા મકાનમાં તસ્કરો ત્રાટક્યા : 1.50 લાખની ચોરી
વૃદ્ધ તેમના પત્નીને હોસ્પિટલે દાખલ કરવા ગયા હતાં : ચોરીમાં જાણભેદુ હોવાની શંકા
શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે વૈશાલીનગરમાં બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા દોઢ લાખની ચોરી કરી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વૈશાલીનગરમાં રહેતા કાઠી દરબાર વૃધ્ધના પત્ની હોસ્પિટલમાં દાખલ થતાં તેઓ હોસ્પિટલે રોકાયા હોય તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં અને પોતાના કૌટુંબીક સાળા એ સાચવવા આપેલા રૂપિયા દોઢ લાખ તસ્કરો ચોરી ગયા હતાં.
વૈશાલીનગર શેરી નં.10 ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટની સામે રહેતા અને હાલ નિવૃત્ત જીવન ગાળતા મેરૂભાઈ લક્ષ્મણભાઈ ખાચર (ઉ.70) અને તેમના પત્ની મનુબેન નિવૃત્ત જીવન ગાળતા હોય સંતાનમાં તેમને એક દીકરી હોય જે સ્વામીના ગઢડા ખાતે સાસરે છે જ્યારે પુત્ર છ વર્ષ પૂર્વે અવસાન પામ્યો છે. ગત તા.17-8નાં રોજ મેરૂભાઈના પત્ની મનુબેનની તબિયત સારી ન હોય રૈયા ચોકડીએ આવેલ સેલ્સ હોસ્પિટલ ખાતે તેમને સારવાર માટે લઈ ગયા હતાં અને ત્યાં સારવારમાં દાખલ કર્યા હતાં. મેરૂભાઈએ પોતાના મકાનનું તાળુ મારી ચાવી પાડોશીને આપી હતી જ્યારે તેઓ હોસ્પિટલેથી પરત આવ્યા ત્યારે મકાનના અંદરના દરવાજાનું તાળુ અને નકુચા તુટેલા હતાં અને સામાન વેરવિખેર હતો.
કબાટના ખાનામાં રાખેલ રોકડ રૂપિયા દોઢ લાખની ચોરી થઈ હતી. મેરૂભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે તેમના પત્નીના મામાના પુત્ર કે જેઓ રાજકોટ ખાતે સિકયોરિટીમાં નોકરી કરતાં હોય તે અનુપભાઈ અને અનકુભાઈના નાનાભાઈ બાવકુભાઈએ પોતાના પગારમાંથી બચત કરીને રૂપિયા દોઢ લાખ સાચવવા આપ્યા હતાં તે રકમ તસ્કરો ચોરી ગયા હતાં. આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે.