ભાવનગર રોડ પર ‘તુલસી જ્વેલ’માં તસ્કરોએ રૂા.1.30 લાખના ચાંદીના દાગીનાની ચોરી કરી

સવારે દુકાને પહોંચતાં જ દરવાજાનો નકુચો તૂટેલો જોઈ વેપારી સ્તબ્ધ રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા પાંજરાપોળ વિસ્તારમાં રાધા-શ્યામ ચોક નજીક સ્થિત ’તુલસી જ્વેલ’ નામની…

સવારે દુકાને પહોંચતાં જ દરવાજાનો નકુચો તૂટેલો જોઈ વેપારી સ્તબ્ધ

રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા પાંજરાપોળ વિસ્તારમાં રાધા-શ્યામ ચોક નજીક સ્થિત ’તુલસી જ્વેલ’ નામની ચાંદીના કામની દુકાનને રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનદાર હરેશભાઈ માવજીભાઈ મેયાણીયા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દુકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કાચની ડિસ્પ્લેમાં રાખેલા આશરે 700 ગ્રામ ચાંદીના વિવિધ દાગીનાઓ, જેની અંદાજિત કિંમત રૂૂપિયા 1,30,000 થાય છે, તેની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવથી સ્થાનિક વેપારી આલમમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.

ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, ફરિયાદી હરેશભાઈ છેલ્લા એક વર્ષથી અહીં ચાંદીકામનો વ્યવસાય કરે છે. ગત તા. 23/07/2024 ના રોજ રાત્રે સાડા નવ વાગ્યે તેઓ નિયમ મુજબ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે તા. 24/07/2024 ના રોજ સવારે 10:00 વાગ્યે જ્યારે તેઓ દુકાને પહોંચ્યા, ત્યારે દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં મળ્યો હતો. દુકાન અંદર તપાસ કરતાં ઉત્તર દિશાની દીવાલ પર કાચની ડિસ્પ્લેમાં મુકેલા ચાંદીના ઘરેણાં જેમાં બે માળા, એક જુડો, પગની માછલી તથા ચાર જોડી પાયલ ગાયબ હતા. આસપાસ પૂછપરછ અને શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતા આખરે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ ચોરીના બનાવ અંગે રાજકોટ શહેરના ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.