ખંભાળિયામાં ધમધમતા એવા શારદા સિનેમા રોડ ઉપર આવેલી શ્રીરામ લાઇટિંગ નામની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી અને દુકાનની બહાર રાખવામાં આવેલા વોલ્ટાસ કંપનીના એ.સી.ના બે કમ્પ્રેસર ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. કુલ રૂૂપિયા 40 હજારની કિંમતના આ કમ્પ્રેસરની ચોરી થવા સબબ અહીંના ધરમપુર વિસ્તારમાં યોગેશ્વર નગર ખાતે રહેતા વિમલભાઈ દેવાભાઈ આંબલીયા દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અન્ય એક બનાવમાં અહીંના શારદા સિનેમા રોડ ઉપર રીતુલ વિઠ્ઠલદાસ દાવડા નામના વેપારી યુવાનના ચાલી રહેલા બાંધકામના સ્થળેથી કોઈ તસ્કરો રૂૂપિયા 13,400 ની કિંમતના બ્રાસના ચાર હેન્ડલ ચોરી કરીને લઈ જતા ખંભાળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જે અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
જુગાર
ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર ઠાકર શેરડી ગામે પોલીસે મધ્ય રાત્રીના સમયે જુગાર દરોડો પાડી, સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા નુંઘા માલદે બુચડ, આલા દુલા જામ, દેશુર દેરાજ જામ, ધરમશી કાનજી કછટીયા અને કાદર ઉર્ફે બોદુ મુસા કચ્છી નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 32,050 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમ્યાન ગોવિંદ દેવશી બરાઈ અને ખીમા દેરાજ જામ નામના બે શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
દારૂની ભઠ્ઠી
ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર ગાંગાકુળ તળાવના કાંઠે બાવળની ઝાડીમાં બનાવવામાં આવેલી દેશી દારૂૂ ગાળવાની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી પોલીસે 1400 લીટર દારૂૂ બનાવવાનું આ તો 100 લિટર દારૂૂ વિગેરે મળી કુલ રૂૂ. 56,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા અમરા દાના મોરી (રહે. બારી તળાવ નેશ, હાલ ટીંબડી) ને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
કારચાલક
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામેથી પોલીસે મોડી રાત્રિના દોઢેક વાગ્યાના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ લાયસન્સ વગર રૂૂપિયા પાંચ લાખની કિંમતની ટોયોટા રોમિયોન મોટરકાર લઈને નીકળેલા અજય બાબુભાઈ મસાણી (ઉ.વ. 33, રહે. પોરબંદર) ને ઝડપી લઇ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
