તસ્કરોનો તરખાટ: ગુરુનાનક મંદિર પાસે પાનની દુકાનમાંથી રોકડ અને માલમત્તાની ચોરી

રાજકોટના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ ઝૂલેલાલનગર શેરી નંબર 3 માં રહેતા અને ગુરુનાનક મંદિર પાસે ’રાજેશ પાન’ નામની દુકાન ધરાવતા 40 વર્ષીય વેપારી તરુણ લક્ષ્મણદાસ…

રાજકોટના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ ઝૂલેલાલનગર શેરી નંબર 3 માં રહેતા અને ગુરુનાનક મંદિર પાસે ’રાજેશ પાન’ નામની દુકાન ધરાવતા 40 વર્ષીય વેપારી તરુણ લક્ષ્મણદાસ હરિયાનાણીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી છે. ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ દુકાનનું શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો અને હાજર માલમત્તાની લૂંટ ચલાવી હતી.

પ્રાથમિક વિગતો મુજબ, ચોર ટોળકી દુકાનમાંથી ચાર કિલો સોપારી, તમાકુનો એક ડબ્બો, વિમલનું પેકેટ અને ગલ્લામાં રાખેલા અંદાજે 1000 રૂૂપિયાની રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સવારે જ્યારે વેપારી દુકાને પહોંચ્યા ત્યારે શટર ઊંચું હોવાનું જોઈ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

આ ઘટના બાદ વેપારીએ પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તરુણભાઈના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક ઈમરજન્સી નંબર 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી, પરંતુ અફસોસની વાત એ છે કે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચવામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો.પોલીસની આ વિલંબિત કામગીરીને લઈને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી તસ્કરોના સગડ મેળવી શકાય.