ક્રાઇમ
મોરબીમાં SMCનો દરોડો: ફેક્ટરીમાંથી ડુપ્લિકેટ ઓઇલનો જથ્થો મળી આવ્યો
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવે છે. એકથી બે દરોડામાં મોટા પ્રમાણમાં દારૂનોે જથ્થો પકડાઇ ચૂક્યો છે. ત્યારે આજે સવારે મોરબી જિલ્લામાં ટંકારા પંથકમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડી શંકાસ્પદ ઓઇલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.
આ ફેક્ટરીમાંથી લાખો લીટરમાં ડુપ્લીકેટ ઓઇલનો જથ્થો તેમજ મશીનરી સહિતનો લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ વડા નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરીયાની રાહબરીમાં સ્ટેટ મોનિટરીંગ સેલની એક ટીમને આજે સવારે મળેલી ચોક્કસ બાતમીને આધારે મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં એક ફેક્ટરીમાં ડુપ્લીકેટ ઓઇલ બનાવી સૌરાષ્ટ્ર ભરમાં વેચાણ કરાતું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ટંકારા પંથકમાં આવેલી ફેક્ટરી પર દરોડો પાડતા ત્યાં હાજર શખ્સો ડુપ્લીકેટ ઓઇલના અલગ-અલગ ડબ્બાઓ પર કંપનીના સ્ટીકર લગાવતા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ફેક્ટરીમાં તપાસ કરતા અલગ-અલગ પચાસ ઓઇલના બેરલ મળી આવ્યા હતા. આ ઓઇલ ઓટો મોબાઇલમાં વપરાતું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, અન્ય નામાકિંત કંપનીઓના ઓટો મોબાઇલમાં વપરાતા એન્જીંન ઓઇલના નામે હલકા પ્રકારની ગુણવતા વાળા ઓઇલમાં કેમીક્લ, બેઇઝ ઓઇલ, વગેરે જેવું રો મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઓઇલના બેરલ, રો મટીરીયલ અને મશીનરી સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.