રાજ્યસભાની ચૂંટણી બાદ મોદી મંત્રીમંડળમાં ફેરફારના સંકેત

એક ડઝન પ્રધાનો ગુમાવી શકે છે ખુરશી, અમુકના ખાતા બદલાશે   જૂનના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીની સાથે જ કેન્દ્રની NDA સરકારમાં મંત્રીમંડળના ફેરબદલની ચર્ચાઓએ જોર…

એક ડઝન પ્રધાનો ગુમાવી શકે છે ખુરશી, અમુકના ખાતા બદલાશે

 

જૂનના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીની સાથે જ કેન્દ્રની NDA સરકારમાં મંત્રીમંડળના ફેરબદલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય ગલિયારાઓમાં એવી અટકળો છે કે આ વખતે કેબિનેટમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવશે, જેમાં ઘણા રાજ્ય મંત્રીઓને હટાવવામાં આવી શકે છે. કયા મંત્રાલયોમાં ફેરફાર થશે તેની કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી થઈ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આશરે 12 જેટલા મંત્રીઓની ખુરશી જઈ શકે છે અથવા તેમના વિભાગ બદલાઈ શકે છે. ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભાજપ આ મોટો નિર્ણય લેવાની ગણતરી કરી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, મોદી સરકારના મંત્રીમંડળમાંથી ઓછામાં ઓછા 2 કેબિનેટ મંત્રી અને 3 રાજ્ય મંત્રીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે કેબિનેટના એક વરિષ્ઠ મંત્રીને મંત્રીપદ પરથી મુક્ત કરીને દક્ષિણ ભારતના કોઈ રાજ્યમાં સંગઠનની કમાન સોંપવામાં આવી શકે છે. ખાસ કરીને 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા રાજ્યસભાના સાંસદોના સ્થાને નવા અને યુવા ચેહરાઓને તક આપવાની ભાજપની યોજના છે, જ્યારે ચાલુ વર્ષે અથવા 2027ની શરૂૂઆતમાં નિવૃત્ત થઈ રહેલા કેટલાક મંત્રીઓને સંગઠનની જવાબદારી સોંપાઈ શકે છે.

NDA સરકારમાં આ વખતે જેડીયુ (JD(U)), ટીડીપી (TDP), એનસીપી (NCP) અને આરએલએમ (RLM) જેવા સહયોગી પક્ષોને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ફેરબદલમાં નીતીશ કુમારની JD(U) અને ચંદ્રબાબુ નાયડુની TDPને સૌથી મોટો ફાયદો થવાની આશા છે. જોકે, સાથી પક્ષોના મોટાભાગના નેતાઓને કેબિનેટ મંત્રીના બદલે રાજ્ય મંત્રી (MoS)નું પદ આપવામાં આવે તેવી શક્યતા વધુ છે. આ ઉપરાંત ભાજપના મોરચાના કેટલાક નવા નેતાઓને પણ પહેલીવાર મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારના ઘણા મહત્ત્વના વિભાગોના મંત્રીઓ બદલાઈ શકે છે. જેમાં રેલવે, નાણાં, કોર્પોરેટ અફેર્સ, કોલસો, ટેક્સટાઈલ, માહિતી અને પ્રસારણ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી, ગ્રામીણ વિકાસ, રસાયણ અને અખાત, સહકારિતા, મત્સ્યઉદ્યોગ, જળ શક્તિ, કૃષિ અને પર્યાવરણ તેમજ કાયદા મંત્રાલય જેવા મોટા વિભાગો સામેલ છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આગામી 18 જૂનના રોજ દેશના વિવિધ રાજ્યોની કુલ 26 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી અને પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકની 4-4 બેઠકો, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની 3-3 બેઠકો, ઝારખંડની 2 બેઠકો તેમજ મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમની 1-1 બેઠકનો સમાવેશ થાય છે. આ સિવાય મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 1-1 બેઠક પર પેટાચૂંટણી પણ યોજાશે. મહત્ત્વની વાત એ છે કે, જે 26 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે તેમાંથી 18 બેઠકો હાલ NDA પાસે છે, જેમાં પણ 12 બેઠકો એકલી ભાજપ હસ્તક છે.