આંચકો: કેનેડામાં હવે માતા-પિતાને નહીં મળે પીઆર

કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયો સહિત લાખો પરમેનન્ટ રેસિડન્ટ્સ (PR ધારકો) અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા લોકપ્રિય…

કેનેડામાં સ્થાયી થયેલા ભારતીયો સહિત લાખો પરમેનન્ટ રેસિડન્ટ્સ (PR ધારકો) અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે ફેમિલી સ્પોન્સરશિપ હેઠળ ચાલતા લોકપ્રિય ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ (PGP) માં નવા અરજી ફોર્મ લેવાની પ્રક્રિયા પર હાલપૂરતી રોક લગાવી દીધી છે. ઇમિગ્રેશન વિભાગ (IRCC) ના જણાવ્યા અનુસાર, હવે આગામી આદેશ સુધી નવા ‘ઇન્ટરેસ્ટ ટુ સ્પોન્સર’ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

કેનેડાના આ ફેમિલી રીયુનિફિકેશન પ્રોગ્રામમાં હંમેશા ઉપલબ્ધ બેઠકો કરતાં અરજીઓની સંખ્યા ઘણી વધારે રહેતી હોય છે. વર્ષ 2020માં જ્યારે છેલ્લીવાર નવા ફોર્મ મંગાવાયા હતા, ત્યારે સરકારને રેકોર્ડબ્રેક 2,03,213 અરજીઓ મળી હતી. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે તે જૂની અરજીઓમાંથી જ રેન્ડમલી (લોટરી સિસ્ટમ દ્વારા) ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હતી. હાલમાં પણ આ પ્રોગ્રામ હેઠળ 50,900 જેટલી અરજીઓ પ્રોસેસિંગ માટે પેન્ડિંગ છે. આ પેન્ડિંગ કામગીરી ઝડપથી ઉકેલવા અને દેશમાં ચાલી રહેલી હાઉસિંગ કટોકટી તેમજ જાહેર સુવિધાઓ પરનું દબાણ ઘટાડવા સરકારે નવી એન્ટ્રીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમણે પહેલાથી જ પોતાની ફાઇલ સબમિટ કરી દીધી છે, તેમની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ રહેશે. વર્ષ 2026 માં આ પ્રોગ્રામ હેઠળ 15,000 લોકોને કેનેડાના PR આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

‘સુપર વિઝા’ મદદરૂપ બનશે
નવા નિયમો બાદ જેઓ પોતાના પરિવારને કેનેડા બોલાવવા માંગે છે, તેમને સરકારે ‘સુપર વિઝા’ (જીાયિ ટશતફ) નો વિકલ્પ પસંદ કરવા સલાહ આપી છે. સુપર વિઝાના નિયમો જો કે થોડા કડક છે.
આ વિઝા હેઠળ માતા-પિતા કે દાદા-દાદી એકસાથે સળંગ 5 વર્ષ સુધી કેનેડામાં રહી શકે છે.
આ વિઝાની કુલ વેલિડિટી (માન્યતા) 10 વર્ષ સુધીની હોય છે.
અરજદારે ફરજિયાતપણે હેલ્થ ઇન્સ્યોરન્સ (તબીબી વીમો) લેવો પડે છે.
કેનેડામાં રહેતા સ્પોન્સરે તમામ આર્થિક જવાબદારી ઉઠાવવાની રહેશે અને લઘુત્તમ આવક (મિનિમમ ઇનકમ) ની શરત પૂરી કરવી પડશે.