Site icon Gujarat Mirror

ઉનાળાની વધતી ગરમીને લઇને પ્રાથમિક શાળાઓનો સમય સવારની પાળી કરો

ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવાર પાળી કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ રાજકોટ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી.
રજુઆતમાં જણાવાયું હતું કે હાલ રાજ્યભરમાં ઉનાળાની ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી તા. 10 માર્ચ 2026થી બપોરના સમયે તાપમાન અંદાજે 40ઓ સેલ્સિયસ સુધી પહોંચવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પરિસ્થિતિમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા નાના બાળકોના આરોગ્ય, સુરક્ષા તથા શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખવું અત્યંત આવશ્યક બની રહે છે. વધુ તાપમાનના કારણે બપોરના સમયમાં શાળાઓ ચાલુ રાખવાથી બાળકોને ગરમીજન્ય તકલીફો, થાક, ડિહાઇડ્રેશન તથા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની શક્યતા રહે છે જેની સામે સવારની શાળા રાખવાથી બાળકો મધ્યાહન સૂર્ય તપે એ પહેલા પોતાના ઘરે પરત ફરી શકે અને સવારે ગરમી ઓછી હોય અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, જિલ્લા રાજકોટે વિનંતી કરી છે કે તા.16 માર્ચ 2026 (સોમવાર)થી સમગ્ર રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવાર પાળીમાં નક્કી કરવા અંગે યોગ્ય અને તાત્કાલિક વહીવટી નિર્ણય લેવામાં આવે, જેથી વિદ્યાર્થીઓના આરોગ્ય અને હિતનું સંરક્ષણ થઈ શકે.

Exit mobile version