દ્વારકા – મીઠાપુર માર્ગ પર રૂૂપેણ બંદર નજીક આવેલી અને એસડીએમના હુકમથી સીલ કરાયેલી સ્કાય કમ્ફર્ટ હોટલમાં થોડા દિવસો પૂર્વે થયેલી ચોરીની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. રાજકોટના રહેવાસી હુસેનભાઈ ભારમલની માલિકીની આ હોટલને લગભગ એક વર્ષ પૂર્વે દ્વારકાના પ્રાંત અધિકારી દ્વારા સીલ મારી, બંધ કરાવવામાં આવી હતી અને ત્યારથી હોટલ બંધ હાલતમાં હતી. જેમાં કેટલાક તસ્કરોએ હાથફેરો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં અજાણ્યા તસ્કરોએ હોટલને નિશાન બનાવી પાછળનો દરવાજો તેમજ કાચની બારીઓ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં હોટલના વિવિધ વિભાગોમાંથી આશરે રૂૂ. 3 લાખના ઇલેક્ટ્રિક વાયર, ત્રણ સીલીંગ ફેન, ચાર ટીવી, એક એર ક્ધડીશનર અને કોમ્પ્યુટર એસેસરીઝ સહિત કુલ રૂૂ. 4,04,500ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે હોટલના સંચાલક અબ્દુલ કાદીર કાસમભાઈ સિદાદ (રહે. રાજકોટ) દ્વારા દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપીઓની ઓળખ કરી મુખ્ય આરોપી એવા રૂૂપેણબંદર વિસ્તારમાં રહીશ બશીર અબ્દુલ્લા પટેલીયા, જાવેદ સુલેમાન ઈબ્રાહીમ લુચાણી, ઇમામશા ઉર્ફે ઇમરાન ઉર્ફે ઇમલો મામદશા શેખ, અરમાનશા મામદશા ફકીરબાવા અને કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ મોહનભાઈ હિંડોચાને ઝડપી લીધા હતા. આ ઉપરાંત અન્ય બે આરોપીઓ એવા રૂૂપેણ બંદર વિસ્તારના રહીશ સોયબ હારુન મુસા ઢોકી અને અખ્તર હુસેન બસીર સુલેમાન સુમારીયા નામના બે શખ્સોને પણ પોલીસે દબોચી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂૂપિયા 2,63,933 ની કિંમતની ચોરી કરવામાં આવેલી જુદી જુદી 15 ચીજ વસ્તુઓ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
