Site icon Gujarat Mirror

ખંભાળિયામાં ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીને અને લક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા બુધવારે “દ્વારકેશ કમલમ” ખાતે ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોની સેન્સ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગઈકાલે સવારે ખંભાળિયા તાલુકા મંડળ હેઠળની આઠ જિલ્લા પંચાયત સીટ, 24 તાલુકા પંચાયત સીટ, ખંભાળિયા નગરપાલિકા અને ભાણવડ તાલુકામાં આવતી 4 જિલ્લા પંચાયત સીટ અને 16 તાલુકા પંચાયત સીટ માટેના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન ખંભાળિયાની જિલ્લા પંચાયતની 8 સીટ માટે 38 દાવેદારો, તાલુકા પંચાયતની 24 સીટ માટે 78 દાવેદારો, ખંભાળિયા નગરપાલિકાની 36 બેઠક માટે 181 દાવેદારો, ભાણવડ જિલ્લા પંચાયતની ચાર બેઠક માટે 22 અને તાલુકા પંચાયતની 16 બેઠક માટે 45 દાવેદારોએ પોતાના પોતાની દાવેદારી નિરીક્ષકો સમક્ષ નોંધાવી હતી.ખંભાળિયા નગરપાલિકા કે જે અગાઉ સી કેટેગરીની હતી, તે હવે અપગ્રેડ થઈને નવા વિસ્તારોના ઉમેરા સાથે ’એ’ વર્ગની બની ગઈ છે. ત્યારે બે વોર્ડના પણ વધારા સાથે 9 વોર્ડ માટે નોંધપાત્ર 181 જેટલા કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે અનેક જાણીતા આગેવાનોના પરિવારોમાં એક જ પરિવારમાંથી બે-બે સભ્યોએ દાવેદારી નોંધાવી છે.

પાલિકાના વોર્ડ નંબર 5 માટે સૌથી ઓછા 6 દાવેદાર અને વોર્ડ નંબર 2 અને 6 માટે સૌથી વધુ 27 દાવેદારો નોંધાયાનું પણ જાણવા મળ્યું છે. આ સમગ્ર સેન્સ પ્રક્રિયા માટે પ્રદેશ દ્વારા નિયુક્ત નિરીક્ષક તરીકે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, નરેન્દ્રભાઈ પરમાર, પ્રદેશ કારોબારી સભ્ય તેજશ્રીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ગુરુવારે સવારથી ભાટિયામાં સતવારા સમાજની વાડી ખાતે કલ્યાણપુર અને દ્વારકાની ચૂંટણીના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

Exit mobile version