સિનિયર ડોક્ટરે મહિલા તબીબને ફડાકો ઝીંકી દેતા હંગામો

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વંટાળોમાં સપડાઈ છે. સામાન્ય રીતે દર્દીના સગા અને તબીબો વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે, પરંતુ આ વખતે…

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વંટાળોમાં સપડાઈ છે. સામાન્ય રીતે દર્દીના સગા અને તબીબો વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે, પરંતુ આ વખતે તબીબો જ સામસામે આવી ગયા છે. ઈમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રામાણીએ મહિલા રેસિડેન્ટ ડો. ક્રિશા શિંગાળાને ગાળો ભાંડીને માર માર્યો હોવાનો આક્ષેપ સાથે તમામ રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી જતાં ઉહાપોહ મચી ગયો હતો. બાદમાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં આજે મોડી સાંજે સારવાર હેઠળના એક દર્દીના ઓક્સિજનના મુદ્દે જૂનિયર ડોક્ટરે મેડિકલ ઓફિસર ડો. અશ્વિન વિઠ્ઠલભાઈ રામાણીનું ધ્યાન દોર્યું હતું. દર્દીની સારવાર અંગે ચર્ચા કરતી વખતે ડો. રામાણી અચાનક ઉશ્કેરાઈ ગયા હતા અને ‘તું મને શીખડાવીશ?’ તેમ કહીને મહિલા રેસિડેન્ટ ડો. ક્રિશાબેન નિલેશભાઈ શિંગાળા (રહે. નાલંદા સોસાયટી, કાલાવડ રોડ) પર હાથ ઉપાડી ફડાકાં ચોડી દીધા હતા અને ‘હું તને જોઈ લઈશ..’ એવી ધમકી આપી હતી. આ અણધાર્યા હુમલાથી હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. આ સાથે તમામ રેસિડેન્ટ ડોક્ટરો એકત્ર થઈને ઈમર્જન્સી વિભાગની બહાર રોડ પર બેસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન ચાલુ કર્યું હતું.

અહીં આંદોલન કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ડો. રામાણી અવારનવાર નશાની હાલતમાં ફરજ પર આવે છે અને જૂનિયર તબીબો સાથે ગાળાગાળી કરે છે. અગાઉ પણ તેમણે અનેકવાર રેસિડેન્ટ ડોક્ટરો પર હાથ ઉપાડ્યો છે. આ બાબતે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને આરએમઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નહોતા, જેથી આજે નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડી છે.

જોકે, આ ગંભીર આક્ષેપો મામલે આરએમઓ ડો. હર્ષદ દુસરાએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં સિનિયર-જૂનિયર ડોક્ટરો વચ્ચે માથાકૂટ થઈ એ બાબતે અમે તપાસ શરૂૂ કરી છે. ડો. રામાણી સામે રેસિડેન્ટ ડોક્ટરોએ જે આક્ષેપો કર્યા છે તેની પણ તપાસ કરીને જરૂૂરી પગલાં ભરવામાં આવશે. બીજી તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાત્રે આ મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂૂ કરી છે.

ડો.રામાણીને ફરજ પર ન આવવા સૂચના, તોળાતા કડક પગલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો વચ્ચે થયેલી બબાલના ગંભીર મુદ્દે પરિવારજનો અને સિવિલ ઓથોરિટી વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. આ મામલે સિવિલ હોસ્પિટલના RMO હર્ષદ દુસરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના અંગેનો સત્તાવાર રિપોર્ટ ગાંધીનગર વડી કચેરીને સોંપી દેવામાં આવ્યો છે.અગાઉ પણ અનેક ફરિયાદોનો સામનો કરી ચૂકેલા તબીબ અશ્વિન રામાણીને આ મામલે જ્યાં સુધી ઉપરી કચેરીથી આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી ફરજ પર હાજર ન રહેવા માટે લેખિતમાં સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતા RMOએ ઉમેર્યું હતું કે આવી બાબતોમાં સસ્પેન્શન કે બદલી સુધીના કડક પગલાં લેવાતા હોય છે, જેથી આજે સાંજ અથવા તો આવતીકાલે સવાર સુધીમાં આ અંગે આકરો નિર્ણય આવી જશે.

આરોગ્ય મંત્રીએ મહિલા તબીબ સાથે વાત કરી સુરક્ષા અને કાર્યવાહીની ખાતરી આપી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી ન્યાય અને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી.મંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકારી હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કાર્યસ્થળે કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક સહન કરવામાં આવશે નહીં. આ ઘટનામાં સંડોવાયેલા સિનિયર તબીબ સામે નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે જરૂૂરી દિશાનિર્દેશો પણ જાહેર કરવામાં આવ્યા છે.