ભારતે સંરક્ષણ અને એરોસ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે એક ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ દેશનું પ્રથમ 350 સલ થ્રસ્ટ-ક્લાસ એક્સપાન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક વિકસાવી લીધું છે. આ મોટી સિદ્ધિ સાથે ભારત વિશ્વના એવા પસંદગીના દેશોની વિશિષ્ટ ક્લબમાં સામેલ થઈ ગયું છે, જેઓ મિસાઈલ અને ડ્રોન માટે આધુનિક જેટ એન્જિન જાતે જ ડિઝાઇન અને ઉત્પાદિત કરવાની ક્ષમતા ધરાવે છે.
આ અત્યાધુનિક એન્જિનને DRDO ની બેંગલુરુ સ્થિત લેબ ’ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ’ (GTRE) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને હૈદરાબાદની ખાનગી કંપની ’આઝાદ એન્જિનિયરિંગ’ દ્વારા તેને તૈયાર કરવામાં આવ્યું છે.
આ એક ’એક્સપાન્ડેબલ’ એન્જિન છે. ફાઇટર પ્લેનના એન્જિન હજારો કલાક ઉડવા માટે બનાવવામાં આવે છે, જ્યારે આ એન્જિન માત્ર એક જ મિશન માટે ડિઝાઇન કરાયું છે. મિસાઈલ કે ડ્રોન લક્ષ્ય સુધી પહોંચીને નષ્ટ થાય ત્યારે આ એન્જિન પણ નાશ પામે છે. તેથી તે કદમાં નાનું, અત્યંત ભરોસાપાત્ર અને ઓછા ખર્ચાળ માળખા પર તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્વદેશી ટર્બોજેટ એન્જિનનો ઉપયોગ ક્રુઝ મિસાઈલ, જેટ સંચાલિત સુસાઈડ ડ્રોન (લોઈટીંગ મ્યુનિશન), ટાર્ગેટ ડ્રોન અને માનવરહિત હવાઈ વાહનો (UAV) માં કરવામાં આવશે. સામાન્ય પ્રોપેલર ડ્રોનની સરખામણીએ જેટ એન્જિનથી સજ્જ ડ્રોન 400 કિમી/કલાકથી પણ વધુ ઝડપ પ્રાપ્ત કરી શકશે, જેનાથી દુશ્મન માટે તેને રોકવું લગભગ અશક્ય બની જશે. આ ઉપરાંત, સેનાની એર ડિફેન્સ સિસ્ટમના પરીક્ષણ માટે હાઇ-સ્પીડ ટાર્ગેટ ડ્રોન અને જાસૂસી મિશન માટે પણ તે ખૂબ ઉપયોગી સાબિત થશે.
હવે દેશમાં જ ઉત્પાદન થવાના કારણે આ સંરક્ષણ ઉપકરણો ખૂબ ઓછા ખર્ચે અને મોટા પાયે બનાવી શકાશે. નિષ્ણાતોના મતે, આ સફળતા ભવિષ્યમાં ભારત માટે ’કાવેરી એન્જિન પ્રોજેક્ટ’ જેવા મોટા અને શક્તિશાળી ફાઇટર જેટ એન્જિન વિકસાવવા માટેનો માર્ગ પણ મોકળો કરશે.
વિશ્વના ગણતરીના દેશો પાસે છે આ ટેક્નોલોજી
અત્યાર સુધી આ ખાસ ટેક્નોલોજી માત્ર અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન જેવા મર્યાદિત દેશો પાસે જ ઉપલબ્ધ હતી. હવે ભારતનું નામ પણ આ ગૌરવશાળી યાદીમાં ઉમેરાયું છે, જે સાબિત કરે છે કે ભારત હવે માત્ર શસ્ત્રો આયાત કરનારો દેશ નથી રહ્યો, પરંતુ વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્રે ટેક્નોલોજીનું ઉત્પાદન કરનારું પ્રબળ રાષ્ટ્ર બની રહ્યું છે.
