કોટડાસાંગાણીના હડમતાળા જી.આઈ.ડી.સી. માં ‘સ્ટાર પાઇપ ફાઉન્ડ્રી ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીમાંથી મોટા પાયે લોખંડના સ્ક્રેપની ચોરી કરી, કંપની સાથે રૂૂ.1.92 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ગુનામાં વજન કાંટાના ઓપરેટર સહિત ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કંપનીના એચ.આર. એન્ડ એડમિન તરીકે ફરજ બજાવતા પ્રદીપકુમાર રામનિવાસ શર્માએ આ અંગે વિગતવાર ફરિયાદ નોંધાવી છે. જેમાં નીશારશાહ ઉર્ફે બાબુભાઈ ડાઇમન્ડ ટ્રેડર્સ રહે.રાજકોટ કમલેશ ટમટા અને સુપરવાઈઝર જાહીદ શાહનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કંપની છેલ્લા પાંચ વર્ષથી રાજકોટના ડાયમંડ ટ્રેડર્સના માલિક નીશારશાહ ઉર્ફે બાબુભાઈને લોખંડનો સ્ક્રેપ વેચે છે. ગત 12 મે 2026 ના રોજ ડાયમંડ ટ્રેડર્સના સુપરવાઈઝર જાહીદ શાહ અને ડ્રાઈવર અફરોજ શાહ એક આઇશર ગાડી નં. જીજે -03-બી.વાય-5601 લઈને સ્ક્રેપ ભરવા આવ્યા હતા. કંપનીના કોન્ટ્રાક્ટ પર કામ કરતા વજન કાંટાના ઓપરેટર કમ્લેશ ટમટાએ ગાડીનું કુલ વજન 3,360 કિલોગ્રામ નોંધ્યું હતું.
જો કે, કંપનીના એકાઉન્ટ વિભાગના કર્મચારી અક્ષયભાઈ રાઠીને ગાડીમાં માલ વધુ હોવાની શંકા જતા, ગાડીનું ફરીથી વજન કરાવવામાં આવ્યું હતું. પુન: વજન કરાવતા ગાડીનું સાચું વજન 7,090 કિલોગ્રામ નીકળ્યું હતું. આમ, આરોપીઓએ પરસ્પર મેળાપીપણું રચીને કુલ 4,820 કિલોગ્રામ લોખંડનો સ્ક્રેપ ઓછો બતાવી, બારોબાર વેચી મારવાનું વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું. આ કૌભાંડની અંદાજિત કિંમત રૂૂપિયા 1,92,800 થવા જાય છે.
કૌભાંડ પકડાઈ ગયા બાદ, જ્યારે આ અંગે ડાયમંડ ટ્રેડર્સના માલિક નીશારશાહ ઉર્ફે બાબુભાઈને જાણ કરવામાં આવી, ત્યારે તેમણે ટેલિફોનિક વાતચીતમાં કંપનીના કર્મચારી અક્ષય રાઠીને “તેં મારી ગાડી પકડાવી છે, તું કંપનીની બહાર આવ, તને પૂરો કરી નાખવાનો છે” તેમ કહી જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી. આ મામલે કોટડાસાંગાણી પોલીસે ગુનો નોંધી કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
